પંજાબના અમૃતસરમાં આતંકી હુમલા અને બ્લાસ્ટના બે દિવસ બાદ દેશની રાજધાની નવી દિલ્હીમાં બે આતંકીઓ ઘૂસ્યા હોવાના ઈન્ટેલિજન્સ એજન્સીઓના ઈનપુટ્સ બાદ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ્સ છે કે કેટલાક આતંકીઓ રાજધાની દિલ્હીમાં ખતરનાક હુમલો કરીને શાંતિ ડહોળવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે. દિલ્હી પોલીસે બે શકમંદ આતંકીઓની તસવીર પણ જારી કરી છે, જેમને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ગણાવાયા છે.
તપાસ એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે કોઈ મોટા હુમલાના ષડ્યંત્ર હેઠળ જૈશના આ બંને આતંકીઓ દિલ્હીમાં ઘૂસ્યા છે. દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે અને તેમણે તસવીરોની સાથે આ અંગે એડ્વાઈઝરી પણ જારી કરી લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. પોલીસ હાલ ગેસ્ટ હાઉસ, હોટલ સહિત અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસના રડાર પર દિલ્હીના એવા વિસ્તારો છે, જ્યાં વિદેશી લોકો મોટા ભાગે આવતા હોય છે.
સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ તથા દિલ્હી પોલીસ આતંકી અંગેના આ ઈનપુટ્સને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યાં છે. પોલીસે તેની એડ્વાઈઝરીમાં સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જો આ બંને આતંકીઓ શહેરમાં ક્યાંય પણ જોવા મળે તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરે. બંને આતંકીઓની તસવીરો આખા શહેરમાં લગાવવામાં આવી છે.
દિલ્હી પોલીસે જૈશના બે આતંકીઓની જે તસવીર જારી કરી છે તેમાં તેઓ એક માઈલસ્ટોન પાસે ઊભેલ નજરે પડે છે. આ માઈલસ્ટોન પર દિલ્હી ૩૬૦ કિલોમીટર દૂર હોવાનું લખ્યું છે અને ફિરોઝપુર ૯ કિલોમીટર દૂર પણ લખ્યું છે.