– હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે આ નિર્ણય આપ્યો
દિલ્હી હાઈકોર્ટ દ્વારા અગ્નિપથ યોજના મામલે કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે સરકારની અગ્નિપથ યોજનાને યોગ્ય ઠેરવતા તેને પડકારતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે, અગ્નિપથ યોજના રાષ્ટ્રહિતમાં છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી કરવા માટે ગયા વર્ષે 14 જૂને અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી. યોજનાના નિયમો પ્રમાણે 17½ થી 21 વર્ષની વયજૂથના લોકો અરજી કરવા પાત્ર છે અને તેઓને ચાર વર્ષની મુદત માટે આવરી લેવામાં આવશે. યોજના હેઠળ, તેમાંથી 25 ટકા સેવા નિયમિત કરવામાં આવશે.
આ યોજના હેઠળ કુલ અગ્નિવીરોના 25 ટકાની સેવાઓને નિયમિત કરવામાં આવશે. બાકીનાને ભવિષ્ય માટે પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને એકીકૃત રકમ પણ મળશે. તેમાંથી ઘણાને કેન્દ્રીય દળો, પોલીસ દળ અને અન્ય વિભાગોમાં ભરતી પ્રક્રિયા હેઠળ છૂટછાટ અને પ્રાથમિકતા મળશે. જો કે, અગ્નિપથ યોજના શરૂ થયા બાદ ઘણા રાજ્યોમાં આ યોજનાનો ઉગ્ર વિરોધ થયો હતો. બાદમાં સરકારે 2022માં ભરતી માટે વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી હતી.
અગ્નિપથ યોજનાના વિરોધમાં ઉઠેલી આક્રોશની આગે દેશના અનેક રાજ્યોને લપેટમાં લીધા હતા. અનેક રાજ્યોમાં યુવાનોના વિરોધ પ્રરદર્શન દરમિયાન હિંસાની ઘટના સામે આવી હતી. ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી, મધ્યપ્રદેશથી લઈને રાજસ્થાન સુધી અગ્નિપથનો વિરોધ અને તેમની સામે કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે હવે કોચિંગ કનેક્શન સામે આવ્યું હતું. યુપીના અલીગઢ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, રાજસ્થાનના સીકર અને બિહારના મસૌઢીમાં પોલીસે ઘણા કોચિંગ સંચાલકોની ધરપકડ કરી હતી અને કેટલાકને કસ્ટડીમાં લીધા હતા.