આયુષ્માન ખુરાનાની ઇચ્છા છે કે તે હવે નૅગેટિવ પાત્રો ભજવે. તેણે ‘બધાઈ હો’, ‘અંધાધુન’ અને ‘ડ્રીમ ગર્લ’ જેવી હટકે ફિલ્મો કરીને લોકોની વાહવાહી મેળવી છે.
તેની ‘બાલા’ હવે ૮ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ કૉમેડી ફિલ્મમાં આયુષ્માને એવી વ્યક્તિની ભૂમિકા ભજવી છે જેના સમય પહેલાં વાળ જતા રહે છે. ફિલ્મની સ્ટોરી રિયલ લાઇફ પર આધારિત છે. ડાર્ક કૅરૅક્ટર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘દર્શકોએ મારી ડાર્ક સાઇડ હજી સુધી નથી જોઈ. મારે દેસી જૉકર જેવા નૅગેટિવ પાત્રો ભજવવા છે. મને એ કૅરૅક્ટર આકર્ષક લાગે છે. તે એવુ પાસુ દેખાડે છે જે સૌમાં હોય છે, પરંતુ એનો કોઈ સ્વીકાર નથી કરતું. એ પાસુ જે સમાજને અનુરૂપ નથી હોતો. ‘જૉકર’નું ઇન્ડિયન વર્ઝન બનાવવા માટે તમને સ્ક્રિપ્ટ રાઇટર અને ડિરેક્ટર સાથે તાલમેળ બેસાડવો પડે છે.’
આયુષ્માનને કવિતા લખવાનો પણ શોખ છે. એ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મેં જ્યારે નૅશનલ અવૉર્ડ જીત્યો હતો ત્યારે મેં કેટલીક કવિતાઓ લખી હતી. જોકે હું વિવિધ વિષયો પર જેવા કે પ્રેમ, લાઇફમાં મળતી નાના-નાની ખુશીઓ અથવા તો દેશમાં હાલમાં જે સ્થિતિ છે એના પર લખવા માગુ છું.
હું પોતાને કેન્દ્રિત કરવામાં વિશ્વાસ નથી રાખતો. જોકે મને માનસિક રીતે એ આઝાદી જોઈએ છે કે હું વધુમાં વધુ કવિતાઓ લખી શકું. ત્યાર બાદ એ બુકને પબ્લિશ કરીશ. આ મારી બકેટ લિસ્ટમાં છે અને મને આશા છે કે મારી આ ઇચ્છા પણ પૂરી થશે.’