ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને પરિપત્ર મોકલી સ્પષ્ટતા કરી છે કે ધો.૯ અને ૧૧માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની એનરોલેમન્ટ ફીમાં દિવ્યાંગ અને વિદ્યાર્થિની માટે મુક્તિ નથી. માત્ર ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની ફીમાંથી જ મુક્તિ અપાઈ છે.
પ્રાથમિકમાંથી માધ્યમિક સ્કૂલમાં પ્રવેશ લેતા એટલે કે ધો.૯માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અને માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં આવતા એટલે કે ધો.૧૧માં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પાસેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ મુજબ એનરોલમેન્ટ ફી દરેક સ્કૂલમાં લેવાય છે.વિદ્યાર્થી દીઠ ૨૦ રૃપિયા એનરોલમેન્ટ ફી પ્રવેશ સમયે જ લેવાય છે અને તમામ વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી આ એનરોલમેન્ટ ફી ગુજરાત શિક્ષણ બોર્ડમાં જમા કરાવવાની હોય છે.
પરંતુ આ વર્ષે સરકારના આદેશથી ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની ફોર્મ ફીમાંથી દિવ્યાંગો અને વિદ્યાર્થિનીઓને મુક્તિ આપી છે.જેથી અનેક સ્કૂલોએ એનરોલમેન્ટ ફીમાં પણ દિવ્યાંગ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને મુક્તિ અપાઈ છે તેવુ માની એનરોલમેન્ટ ફી જમા કરાવી નથી.જેને લઈને બોર્ડે સ્પષ્ટતા કરતા પરિપત્ર કર્યો છે અને જણાવ્યુ છે કે એનરોલમેન્ટ ફીમાંથી મુક્તિ નથી.જેથી તમામ સ્કૂલોએ બોર્ડ કચેરીમાં તમામ વિદ્યાર્થીઓની એનરોલમેન્ટ ફી જમા કરાવવાની રહેશે.