RTE એક્ટ અંતર્ગત બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિનિયમ 2009ની કલમ-16માં કેન્દ્ર સરકારે 10 જાન્યુઆરીએ ફેરફાર કર્યા બાદ રાજ્ય સરકારે પણ તેમાં મહત્વનો સુધારો કર્યો છે. આ સુધારા અંતર્ગત દરેક શૈક્ષણિક વર્ષના અંતે ધોરણ 5 અને ધોરણ 8માં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં જો વિદ્યાર્થી નાપાસ થાય તો વાર્ષિક પરીક્ષા બાદના બે મહિનાના સમયગાળા દરમિયાન વધારાનું શિક્ષણ પુરું પાડી પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે. તેમાં પણ જો નાપાસ થાય તો તેને નાપાસ ગણવામાં આવશે. આ પરીક્ષાઓ GCERT(ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા લેવામાં આવશે. આ સુધારાનો અમલ શૈક્ષણિક વર્ષ 2019-2020થી કરવામાં આવશે.
આ પરીક્ષાઓમાં નાપાસ થયેલા વિદ્યાર્થી અન્ય શાળામાં પ્રવેશ મેળવે તો ઉંમર આધારિત પ્રવેશને બદલે જે બાળક જે ધોરણમાં નાપાસ થયું હોય તે જ ધોરણમાં પુનઃપ્રવેશ આપવાનો રહેશે. પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવેલા કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પુરું થતા સુધીમાં આ સિવાયના કોઈપણ કારણસર કોઈ ધોરણમાં રોકી શકાશે નહીં. આ ઉપરાંત કોઈ બાળકનું પ્રાથમિક શિક્ષણ પુરું ન થાય ત્યાં સુધી શાળામાંથી કાઢી શકાશે નહીં.