નવરાત્રીમાં કરાશે નિયમોનું કડક પાલન
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજન મામલે પોલીસ કડક હાથે કામ લેશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નિયમોનું કડક પણ પાલન કરવામાં આવશે. આગ, અકસ્માત જેવી ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ અને ફાયરની ટીમ સતત તૈનાત રહેશે. આ સાથે જ પાર્કિંગ સલામતી મામલે પણ પોલીસ સખત રહેશે. પાર્કિંગ સાથે CCTVની સુવિધા રાખવા સૂચન કરાયું છે.
નવરાત્રીને લઇને આયોજકોનો મોળો પ્રતિસાદ
નવરાત્રીને માત્ર એક જ સપ્તાહ બાકી છે તેમ છતાં આયોજકોનો મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદમાં હજુ સુધી 30 ગરબા આયોજકોએ જ મંજૂરી માંગી છે. જયારે સુરતમાં 12 અને વડોદરામાં 4 ગરબા આયોજકોએ ગરબા માટે મંજૂરી માગી છે.
ટ્રાફિક નિયમનું કરાશે કડક પાલન
ટ્રાફિક નિયમોથી લઈને સુરક્ષાના નિયમો મામલે આ વખતે પોલીસ કડક વલણ અપનાવશે. સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં CCTV રાખવા પડશે. આ સાથે અમદાવાદમાં પાર્કિંગમાં CCTV ફરજિયાત રાખવા પડશે. જો વાહનો જેમ તેમ પાર્ક કરેલા હશે તો ગરબા સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. આ સાથે જ વાહન ચાલકોએ હેલમેટ ફરજિયાત પહેરવું પડશે. આયોજકોએ સિક્યુરીટી ગાર્ડ પણ ફરજિયાત રાખવા પડશે. તેની સાથે જ ગરબા આયોજકોએ ઈમરજન્સી એકઝીટ પણ રાખવું પડશે.
નવરાત્રિને લઇ સુરત પોલીસ અને ફાયર વિભાગનું સૂચન
નવરાત્રીને લઇને સુરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સૂચન અપાયા છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીનું કડક પાલન કરવા આદેશ અપાયો છે. પાર્કિંગ અને ફાયર સેફ્ટી નહીં હોય તેવા ગરબાની મંજૂરી નહીં મળે. ફાયર NOC ફક્ત 12 આયોજકોએ માગી હોવાનું સામે આવ્યું છે. પાર્કિંગ સાથે CCTVની સુવિધા રાખવા સૂચન કરાયું છે. ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ઇમરજન્સી સેવા રાખવા સૂચના અપાઇ છે.