અમદાવાદ: લાંભા ટર્નિંગ પાસે મરાઠા વાસમાં ધાડપાડુ ગેન્ગે ધાડ પાડીને કરેલી લૂંટની ઘટનામાં ઘરમાં સુઈ રહેલી એક યુવતી પર ધાડપાડુએ બળાત્કાર કર્યો હોવાથી લોકોએ તેને પકડીને ઢોર માર મારતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
નારોલમાં આવેલા લાંભા ટર્નિંગ પાસેના મરાઠા વાસમાં પાંચ દિવસ પહેલાં મોડી રાત્રે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. લોકો સુઈ રહ્યા હતા ત્યારે હથિયાર સાથે આવેલા ચડ્ડી બનિયાનધારી આઠ શખ્સોએ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને કાનમાંથી બુટ્ટીઓ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો.
આ દરમિયાન મહિલાઓ પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ મહિલાઓને ઈજાઓ પણ થઈ હતી. ધાડ પાડવા આવેલા શખસોમાંથી એક શખસે ઘરમાં સૂઈ રહેલી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતાં લોકો જાગ્યા હતા. જેથી ધાડપાડુઓ ભાગવા લાગ્યા હતા.
લોકોએ યુવતી પર બળાત્કાર ગુજારનાર શખ્સને ઝડપી પાડીને લાકડીઓ અને ધોકાઓ વડે ઢોર માર માર્યો હતો તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોના મારથી ઈજાગ્રસ્ત શખ્સને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડયો હતો.
જ્યાં સારવાર દરમિયાન તે શખ્સનું મોત થયું હતું. મૃતક લૂંટારુનું નામ ગોરધન ભાભોર હોવાનું બહાર આવ્યું હતું અને તે મૂળ દાહોદનો વતની હતો હતુ. પાંચ દિવસ વીતી ગયા છતાં નારોલ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ધાડપાડુઓને શોધી શકી નથી.