
વડોદરા : હાલ રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ આગામી શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઇ રહ્યો છે. જેને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે પાદરાના ડબકા ગામે એક આધાતજનક ઘટના સર્જાઇ છે. જેમાં ગણેશ પંડાલ બાંધી રહેલા 15 એકસાથે યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ડબકા ગામે 15 યુવકોને કરંટ લાગાવાની ઘટનાથી ભક્તિમય માહોલ શોકમય બની ગયો હતો. ડબકા ગામે આવેલા વેરાઇ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધી રહ્યા હતા, તે દરમિયાન લોખંડની એંગલ હાઇટેન્શન લાઇનને અડી જતાં 15 યુવકોને અચાનક કરંટ લાગ્યો હતો. જેમાં 1 યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે 14 યુવાનોને શરીરના અલગ અલગ ભાગો પર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે.