*સ્ટાયલિશ સુપરકોપ તરીકે ઓળખાતા અભય ચુડાસમા પર ખંડણી ઉઘરાવવાના આરોપો મૂકાયા હતા
*જે.કે.ભટ્ટ રાજ્યના ત્રીજા નંબરના ધનિક પોલીસ અધિકારી છે
અમદાવાદઃ રાજ્યભરના પોલીસ તંત્રમાં સૌથી વધુ શક્તિશાળી જો કોઈ પોસ્ટ ગણાતી હોય તો એ છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વડા તરીકેની. અમર્યાદિત સત્તા અને ખાસ તો ગાંધીનગર બેઠેલા આકાઓની ફરમાઈશ મુજબની કામગીરીના કારણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નિયમિત રીતે વિવાદોમાં સપડાતી રહી છે. એમાં પણ ક્રાઈમ બ્રાન્ચના વડા તરીકેનો કાર્યભાર સંભાળી ચૂકેલા ડી.જી.વણઝારા, અભય ચુડાસમા અને હવે જે.કે.ભટ્ટ એ ત્રણ એવા સિનિયર ઓફિસરો છે જેમનાં કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર, ગેરરીતિ, આપખુદી, ઉપરાંત ખંડણી ઉઘરાવવા સહિતના આક્ષેપો થયેલા છે. રસપ્રદ યોગાનુયોગ એ છે કે, આ ત્રણેય ઓફિસર ગુજરાતી છે.
ડી.જી.વણઝારાઃ (2002-2005)
* 1987ની બેચના પોલીસ અધિકારી તરીકે વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂકેલા વણઝારાને ગોધરા કાંડના રમખાણો પછી તરત ક્રાઈમ બ્રાન્ચનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
* વણઝારાના કાર્યકાળ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ભારે ધાક જમાવી હતી. મુંબઈ પોલીસની માફક પહેલી જ વાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ‘અબ તક છપ્પન’ મોડેલ અપનાવ્યું હતું અને એક પછી એક એન્કાઉન્ટર થવા માંડ્યા હતા.
* મોટાભાગના એન્કાઉન્ટરમાં ‘(તત્કાલીન) મુખ્યમંત્રી મોદીની હત્યાના પ્રયાસ માટે આવેલા’ શકમંદો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શૂટ થયા હતા.
* જેમાં સાદિક જમાલ, સમીરખાન, ઈશરત જહાં, સૌરાબુદ્દિન અને તેની પત્ની કૌસરબી અને તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટર નકલી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.
* વણઝારાના કાર્યકાળ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની કામગીરી સામે એટલા બધા કેસ થયા કે 6 IPS સહિત કુલ 32 પોલીસ કર્મીઓએ જેલમાં જવું પડ્યું હતું. ગુજરાત પોલીસની છાપ પર એ પ્રકરણ કાયમ માટે કલંકરૂપ ગણાશે.
ઓફબીટ: જેલમાંથી છૂટ્યા પછી વણઝારા હજુ પણ હિન્દુ હૃદયસમ્રાટ અને રાષ્ટ્રનાયકની છબી બનાવવા પ્રયત્નશીલ છે.
અભય ચુડાસમા: (2007-2009)
* અભય ચુડાસમા તો ક્રાઈમ બ્રાન્ચમાં આવતાં પહેલાં જ ‘એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ’ તરીકે ‘હિરો’ ગણાવા લાગ્યા હતા.
* સ્ટાયલિશ કપડાં, ગોગલ્સ અને ફેશન એસેસરિઝના શોખીન અભય ચુડાસમા નેટવર્કિંગ ઉપરાંત ટેક્નોલોજીના શાર્પ યુઝ માટે પણ જાણીતા હતા.
* ધોળકા નજીક રતનપુર ગામના વતની ચુડાસમાએ ફિઝિક્સમાં બી.એસ.સી. કર્યા પછી GPSCની એક્ઝામ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને બહુ નાની વયે અંકલેશ્વર ખાતે DySp તરીકે પોસ્ટિંગ મેળવ્યું હતું.
* ક્રાઈમ બ્રાન્ચના સર્વેસર્વા બનતાં પહેલાં પણ તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરી ચૂક્યા હતા અને પોતાના પૂરોગામી વણઝારાની કાર્યપદ્ધતિ બહુ નજીકથી નિહાળી હતી.
* અમિત શાહના ખાસમખાસ હોવાના નાતે ક્રાઈમ બ્રાન્ચમાં ચુડાસમાને છૂટો દોર આપવા માટે જ વણઝારાને પ્રમોટ કરવામાં આવ્યા એવી ચર્ચા પણ જે-તે વખતે થઈ હતી.
* 8 એન્કાઉન્ટરનો સ્કોર ધરાવનારા ચુડાસમા પર ફેક એન્કાઉન્ટર ઉપરાંત ખંડણી, પ્રોટેક્શન મની ઉઘરાવવાના ગંભીર આરોપો પણ થયેલા છે.
ઓફબીટ: લાંબો સમય જેલમાં રહી ચૂકેલા ચુડાસમા કમર અને ઢીંચણની ગંભીર માંદગી અનુભવે છે. જૂતાંની દોરી પણ જાતે બાંધી શકતા નથી.
જયેશ ભટ્ટ: (2015થી ચાલુ)
* અમદાવાદ જ નહિ, સમગ્ર ગુજરાતના પોલીસ તંત્રમાં જે.કે. તરીકે જાણીતા જયેશ કાંતિલાલ ભટ્ટના પિતા પણ ગુજરાત પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર રહી ચૂક્યા છે.
* વણઝારા અને ચુડાસમાની સરખામણીએ પ્રમાણમાં મોડા ક્રાઈમબ્રાન્ચનું પોસ્ટિંગ મેળવનાર જે.કે.ભટ્ટ પણ પોતાના પૂરોગામીઓની માફક સરકાર અને હાઈકમાન્ડના પરમ વિશ્વાસુ ગણાય છે.
* ક્રાઈમબ્રાન્ચના જોઈન્ટ કમિશનર તરીકે જે.કે.ભટ્ટની કામગીરી અને કાર્યપદ્ધતિ અનેક વાર શંકાના દાયરામાં મૂકાતી રહી છે. પરંતુ તેમની પહોંચ ભારે ઊંચી હોવાના કારણે તેમનો વાળ વાંકો નથી થતો એવું પોલીસ તંત્રમાં ચર્ચાય છે.
* કરોડો રૂપિયાના બીટકોઈન કૌભાંડમાં આરોપીઓને છાવરવાના તેમના પર આરોપો મૂકાયા હતા.
* વડાપ્રધાન મોદીની સામે પડેલા હિન્દુવાદી ડો. પ્રવિણ તોગડિયાએ પણ જે.કે.ભટ્ટ પોતાનું એન્કાઉન્ટર કરવા પ્રયત્નશીલ હોવાના આરોપો મૂક્યા હતા.
* સેટેલાઈટ વિસ્તારમાં ગેંગરેપ કેસની પીડિતાએ જે.કે.ભટ્ટ પર અણછાજતા સવાલોનો આરોપ મૂક્યા પછી ભટ્ટને તપાસમાંથી હટાવી લેવાયા હતા.
* હવે પોન્ઝી સ્કિમ કૌભાંડના સૂત્રધાર વિનય શાહે પણ પોતે જે.કે.ભટ્ટને રૂ. 90 લાખ આપ્યા હોવાનો આરોપ મૂક્યો છે.
ઓફબીટ: રુ. 5.56 કરોડની સંપત્તિ ધરાવતા જે.કે.ભટ્ટ ગુજરાતના ત્રીજા નંબરના શ્રીમંત IPS છે.