કેરળના ત્રિશૂર જિલ્લાની પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. દંપતી પર પોતાના પાંચ દિવસના માસૂમ બાળકને લાવારિસ ત્યજી દેવાનો આરોપ છે.પોલીસના જણાવ્યાનુસાર, કોચી જિલ્લામાં આવેલા ચર્ચમાં લગાવાયેલા સીસીટીવીમાં બાળકને ત્યજીને જઈ રહેલું દંપતી રંગેહાથ ઝડપાઈ ગયું છે. પોલીસે કહ્યું છે કે, સીસીટીવી ફૂટેજમાં ત્રિશૂર જિલ્લાના રહેવાસી 32 વર્ષીય બિટ્ટો અને તેની 28 વર્ષીય પ્રતિભા ઇડપ્પલ્લીના સેન્ટ જ્યોર્જ ફોરેન ચર્ચમાં ગત બીજી જૂને સાંજે બાળકને છોડીને જતાં દેખાયાં હતાં.ચર્ચમાં બાળકને છોડતાં પહેલાં તેના પિતાએ તેના માથે ચુંબન કર્યું હતું અને બાદમાં તેને છોડીને પત્ની સાથે ચાલ્યો ગયો હતો. ચર્ચના સુરક્ષા કર્મચારીઓને શનિવારે રાતે લગભગ 8.30 વાગ્યે બાળક મળી આવ્યું હતું. તેમણે તરત જ પોલીસને આ વિશે જાણકારી આપી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રિશૂરના વડક્કનચેરી વિસ્તારમાં રહેતા આ દંપતીની ધરપકડ કરી છે. આરોપી દંપતીને પહેલેથી જ ત્રણ સંતાન છે. દંપતીએ સ્વીકાર્યું છે કે, પહેલેથી ત્રણ સંતાન હોવાને લીધે તેમને ચોથા સંતાનના જન્મ બાદ ડર હતો કે, ‘સમાજ શું કહેશે?’