ગુજરાત રાજયની પેટા ચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સભા સંબોધવા જઇ રહ્યાં છે ત્યારે અમિત શાહ આજે સુરતમાં રાત્રીરોકાણ કર્યું હતું. આ ઉપરાંત જન્મદિવસ પૂર્વે જ અમિત શાહ તા.૨૦મીએ સોમનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરી શીશ ઝૂકાવશે અને સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવશે.

ગુજરાતની મુલાકાતને લઇને છેલ્લી ઘડીએ ફેરફાર કરાયા હોવાનુ પણ જાણવા મળ્યુ છે.ઉલ્લેખનીય છે કે, તા.૨૨મીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો જન્મદિવસ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સુરત એરપોર્ટ પર આજે રાત્રે દસેક વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા. તેઓએ સુરતમાં જ રાત્રીરોકાણ કર્યું હતું. મહારાષ્ટ્રમાં આવતીકાલે તા.૧૯મી ઓક્ટોબરે નવાપુરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધન કરશે. સભાને સંબોધિત કર્યા બાદ ફરી અમિત શાહ ગુજરાત પરત આવશે. તેઓ તા.૧૯મીની રાત્રે કેશોદ એરપોર્ટ પર ઉતરશે. બાદમાં અમિત શાહ સોમનાથમાં રાત્રીરોકાણ કરશે. તો, તા.૨૦મીએ વહેલી સવારે તેઓ સોમનાથ મંદિરમાં દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે.