નવી દિલ્હી- પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના(પી-એમ કિસાન પેન્શન) યોજનામાં ખેડૂતો ઓછો રસ દાખવી રહ્યા છે. આ યોજના શરૂ થયાના એક મહિના કરતાં વધારાનો સમય વીતી ગયો હોવા છતાં પણ આ યોજનામાં દેશભરના માત્ર ૮.૩૬ લાખ ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યોજનાના પ્રથમ તબક્કામાં ૫ કરોડ નાના અને સીમાંત ખેડૂતો(બે હેકટર ધરાવતા) ખેડૂતોને સમાવવાનું લક્ષ્ય છે.
વડા પ્રધાન મોદી ૧૨ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે રાંચીથી આ યોજનાની યોગ્ય રજૂઆત કરશે, જોકે ૯ ઓગસ્ટના રોજથી કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે આ યોજનાની શરૂ કરતા નોંધણીની પ્રક્રિયાની પણ શરૂઆત કરી હતી.
કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દરેક રાજ્ય સરકારને આ યોજના હેઠળ વધુને વધું ખેડૂતોને ઉમેરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો આ યોજનામાં ઓછો રસ લઈ રહ્યા છે. અધિકારીએ વધુમાં જણાવતાં કહ્યું કે, રાજ્યોમાં પણ પીએમ-કિસાન યોજનાને જોડવા કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.
CSC કેન્દ્રો દેશના લગભગ બે લાખ ગામોમાં છે
પીએમ-કિસાન પેન્શન યોજના હેઠળ નોંધણીનું કામ માહિતી મંત્રાલયના કોમન સર્વિસ સેન્ટર(CSC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. દેશના લગભગ બે લાખ ગામોમાં સીએસસી કેન્દ્રો છે અને તમામ કેન્દ્રોને અગ્રતાના આધાર પર ખેડૂતોની નોંધણી પૂર્ણ કરવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે.
નોંધણી કરવામાં મુશ્કેલી
ખેડૂતોના ઓછા રસને કારણે આ યોજનામાં અત્યાર સુધીમાં માત્ર ૮.૩૬ લાખ ખેડૂતોએ જ નોંધણી કરાવી છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં ખેડૂતોને નોંધણી કરવામાં સમસ્યા ઊભી થઈ છે, કારણ કે જમીન પરિવારના મુખ્યના નામે હોય છે અને સામાન્ય રીતે આ મુખ્યના મૃત્યું પછી જ જમીન તેના બાળકોના નામે ફાળવવામાં આવે છે.