ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાં સુધી ડોકટરે ગુજરાતની હદ છોડવી નહી- હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે ડોકટરના એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા, એનસીબી, ચિત્તોડગઢની ટીમ દ્વારા ડોકટરની બનાસકાંઠા સ્થિત હોસ્પિટલમાં સર્ચ કર્યુ ત્યારે પ્રતિબંધિત દવાનો જથ્થો મળ્યો હતો
સંવેદનશીલ અને મહત્વના કેસમાં હાઇકોર્ટે એનડીપીએસ એકટની વિસ્તૃત છણાવટ કર્યા બાદ આખરે ડોકટરને શરતી જામીન આપ્યા
અમદાવાદ, તા.3
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે નિરોગી હોસ્પિટલમાંથી પ્રતિબંધિત દવા નિયત માત્રા કરતાં વધુ પ્રમાણના જથ્થામાં પકડાવાના ચકચારભર્યા કેસમાં આરોપી ડોકટર ચેતન ચૌધરીને ગુજરાત હાઇકોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન પર મુકત કરવાનો મહત્વનો હુકમ કર્યો હતો. જો કે, હાઇકોર્ટે આ કેસમાં ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાં સુધી ગુજરાત રાજયની હદ નહી છોડવા આરોપી ડોકટરને તાકીદ કરી છે. જસ્ટિસ નિખિલ કેરીઅલે હુકમમાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, અરજદાર સાઇકયાટ્રીક હોસ્પિટલ અને ડીએડિકશન સેન્ટર ચલાવવા માટેનું જરૂરી લાયસન્સ ધરાવે છે. એનડીપીએસ એકટના રૂલ-66ની સબ રૂલ-2માં નિર્દિષ્ટ અપવાદ મુજબ, કોઇપણ હોસ્પિટલ જેન્યુઇન મેડિકલ જરૂરિયાત માટેનો વાજબી જથ્થો રાખી શકે છે. જો કે, રૂલ એ વાતની સ્પષ્ટતા નથી કરતા કે, કેટલી વાજબી જથ્થો હોવા જોઇએ અને તે જે તે ડોકટર પોતાના દર્દીની જરૂરિયાત અથવા તો, બીજા કોઇ યોગ્ય કારણસર રાખી શકે તે વાત પર નિર્ભર છે. તપાસનીશ અધિકારી અરજદાર ડોકટરે આ પ્રતિબંધિત દવાનો જથ્થો જરૂરિયાત કરતાં વધુ માત્રામાં રાખ્યો હોવા અંગે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા નથી પરંતુ એ સિવાય હજુ સુધી અન્ય કોઇ પ્રતિબંધિત કે ગુનાહીત પ્રવૃત્તિમાં તેમની સંડોવણી હોય તેવું સ્પષ્ટ કરી શકયા નથી. આ સંજોગોમાં અરજદાર ડોકટરના શરતી જામીન મંજૂર કરવામાં આવે છે.
રાજસ્થાનના ચિત્તોડગઢ એનસીબીની ટીમ દ્વારા ગત તા.11-12-2020ના રોજ અરજદાર ડોકટર ચેતન ચૌધરીની બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે નિરોગી હોસ્પિટલ ખાતે સર્ચ કર્યું હતું અને ત્યાંથી પ્રતિબંધિત બ્યુપ્રેનોફાઇન, કલોનાઝેપામ અને લોરાઝેપામ નામની પ્રતિબંધિત દવા કે જે સાયકોટ્રોફિક સબસ્ટન્સ ધરાવે છે અને એનડીપીએસ એકટના શીડયુલમાં પ્રતિબંધિત કરાઇ છે, તેનો જથ્થો પકડાતાં આરોપી ડોકટર વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમ 8 અને 22 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઇ હતી અને તેની હોસ્પિટલ પણ સીઝ કરી દેવાઇ હતી. દરમ્યાન અરજદાર ડોકટર ચેતન ચૌધરી દ્વારા કરાયેલી જામીનઅરજીમાં સિનિયર કાઉન્સેલ નિરૂપમ નાણાવટી, સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ સિધ્ધાર્થ રવિ ખેસકાનીએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, અરજદાર એમબીબીએસ અને ડિપ્લોમા ઇન સાઇક્યાટ્રીની ડિગ્રી ધરાવે છે અને 2014થી ડોકટર તરીકે પ્રેકટીસ કરી રહ્યા છે. અરજદારના ત્યાંથી જે દવાઓ એનસીબીની ટીમ દ્વારા જપ્ત કરાઇ તે અરજદારે એનડીપીએસ એકટના રૂલ-66 હેઠળ ફોર્મ નં-6 મુજબ આયાત કરેલી છે અને અરજદાર સાઇકયાટ્ર્રીક ડોકટર હોવાના નાતે તેમની હોસ્પિટલ અને દર્દીઓની જરૂરિયાત પ્રમાણે તે રાખી શકે છે. અરજદારે એનસીબીની રેડ વખતે આ દવા રાખ્યા અંગેના જરૂરી કાગળો રજૂ ના કર્યા તેટલા માત્રથી અરજદાર વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમ-26 હેઠળનો ત્રણ વર્ષની સજાનો ગુનો બને પરંતુ તપાસની એજન્સીએ બિલકુલ ખોટી અને ગેરકાયદે રીતે અરજદાર વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમ-8 અને 22 હેઠળ ગુનો નોંધી તેમની ખોટી રીતે ધરપકડ કરી છે. સિનિયર કાઉન્સેલ નિરૂપમ નાણાવટી, સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ સિધ્ધાર્થ રવિ ખેસકાનીએ હાઇકોર્ટનું એ બાબતે પણ ધ્યાન દોર્યું કે, તપાસનીશ એજન્સીએ જે બ્યુપ્રેનોફાઇન દવાની વાત કરે છે તે તો ઓલરેડી ઓપન માર્કેટમાં ઉપલબ્ધ છે તો અરજદાર વિરૂધ્ધ સાયકોટ્રોફિક સબસ્ટન્સ સંદર્ભે કેવી રીતે ગુનો દાખલ કરી શકાય. અરજદાર પ્રતિષ્ઠિત ડોકટર છે અને તે વર્ષોથી સાઇકયાટ્રીક હોસ્પિટલ ચલાવી રહ્યા છે. અરજદાર તેમના ત્યાં સારવાર અર્થે આવતાં મનોરોગી અને દર્દીઓની સારવારમાં આ દવા ઉપયોગમાં લેતા આવ્યા છે, આ સિવાય અરજદારની આ દવાને લઇ અન્ય કોઇ ગુનાહિત કે પ્રતિબંધિત પ્રવૃત્તિમાં પણ કયારેય કોઇ સંડોવણી પ્રતિપાદિત થઇ નથી. આ સંજોગોમાં અરજદાર ડોકટરને હાઇકોર્ટે શરતી જામીન પર મુકત કરવા જોઇએ. અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદાર ડોકટરને એનડીપીએસ એકટના ગુનામાં આખરે શરતી જામીન પર મુકત કરતો મહત્વનો હુકમ જારી કર્યો હતો.