ફિનલેન્ડ નાટોમાં જોડાયું, સ્વીડનની તૈયારી : પુતિનની ધમકીની ઐસી-તૈસી

0
0

યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે ફિનલેન્ડ મંગળવારે દુનિયાના સૌથી મોટા સુરક્ષા સંગઠન નોર્થ એટલાન્ટિગ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં જોડાઈ ગયું. નોર્ડિક રાષ્ટ્ર ફિનલેન્ડનું અમેરિકાના નેતૃત્વવાળા સૌથી મોટા સૈન્ય સંગઠન સાથે જોડાણ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન માટે તમાચા સમાન છે, કારણ કે ફિનલેન્ડ રશિયાનો પડોશી દેશ છે અને તેની સાથે ૧,૩૦૦ કિ.મી.થી વધુની સરહદ જોડાયેલી છે. 

પુતિન લાંબા સમયથી પૂર્વ તરફ નાટોના વિસ્તરણનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ યુક્રેને નાટોમાં જોડાવાની પ્રક્રિયા શરૂ કરતા રશિયાએ તેના પર આક્રમણ કર્યું હતું. હવે ફિનલેન્ડના જોડાવાથી યુક્રેન સામેનું યુદ્ધ વધુ વકરે તેવી આશંકા છે.

યુક્રેન પર રશિયાના આક્રમણના સમયથી જ જે ઐતિહાસિક ઘટનાક્રમની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી હતી. અંતે મંગળવારે અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ફિનલેન્ડના સભ્યપદના દસ્તાવેજ ઔપચારિક રીતે સોંપતા નોર્ડિક રાષ્ટ્ર નાટોનું સભ્ય બની ગયું છે. આ સાથે દુનિયાના સૌથી મોટા લશ્કરી સંગઠન નાટોના હવે ૩૧ સભ્યો થઈ ગયા છે. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલનબર્ગે કહ્યું કે, ફિનલેન્ડનું નાટો સંગઠનમાં સ્વાગત છે. તેનાથી ફિનલેન્ડ સુરક્ષિત થઈ જશે અને અમારી તાકત પણ વધશે. નાટોની સરહદો પણ હવે પહેલાં કરતાં બમણી થઈ ગઈ છે. ફિનલેન્ડના જોડાયા પછી હવે પડોશી દેશ સ્વીડન પણ નજીકના સમયમાં નાટોમાં જોડાય તેવી સંભાવના છે. ૨૦૦ કરતાં વધુ વર્ષો સુધી કોઈપણ સંગઠનમાં જોડાવાથી દૂર રહેનાર સ્વીડને પણ નાટોમાં જોડાવા અરજી કરી દીધી છે. પરંતુ નાટોના સભ્ય તુર્કીયે અને હંગેરીએ તેના જોડાણનો વિરોધ કર્યો હોવાથી સ્વીડન હજુ સુધી નાટોમાં જોડાઈ શક્યું નથી.

જોકે, ફિનલેન્ડનું સભ્યપદ યુરોપની સુરક્ષાના સંદર્ભમાં મોટું પરિવર્તન લાવશે. બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયેત સંઘ સામે હારી ગયા પછી ફિનલેન્ડે તટસ્થતા અપનાવી હતી, પરંતુ રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતાં ફિનલેન્ડના નેતાઓએ મે ૨૦૨૨માં જ નાટોમાં જોડાવા અરજી કરી દીધી હતી. જોકે, આ ઘટનાના બીજ ઘણા સમય પહેલાં જ વવાઈ ગયા હતા, કારણ કે વર્ષ ૨૦૧૬માં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ચેતવણી આપી હતી કે, અત્યારે અમે સરહદની પેલે પાર નજર કરીએ છીએ તો અમને ફિનલેન્ડ દેખાય છે, પરંતુ ફિનલેન્ડ નાટોમાં જોડાઈ જશે તો અમને ‘દુશ્મન’ દેખાશે. 

આમ, પુતિનની ચેતવણીની ઐસી તૈસી કરીને આખરે ફિનલેન્ડ નાટોમાં જોડાઈ ગયું છે. તેનું આ પગલું રશિયન પ્રમુખ પુતિન માટે રણનીતિક અને રાજકીય રૂપે ઝટકા સમાન છે. તેઓ લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે કે નાટો પૂર્વ દિશામાં તેની સરહદ તરફ વિસ્તરણ કરી રહ્યું છે. જોકે, નાટોએ કહ્યું હતું કે, તેનાથી મોસ્કોને કોઈ જોખમ નથી.

રશિયાએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે ફિનલેન્ડના નાટોમાં જોડાવાથી ઊભા થનારા સુરક્ષા જોખમોનો ઉકેલ લાવવા માટે તેણે ‘વળતા હુમલા’ના ઉપાય કરવા માટે મજબૂર થવું પડશે. મોસ્કોએ હવે એમ કહ્યું છે કે નાટો તેના ૩૧મા સભ્ય રાષ્ટ્રના ક્ષેત્રમાં વધુ સૈનિકો અથવા સૈન્ય શસ્ત્રો તૈનાત કરશે તો તે ફિનલેન્ડની સરહદો પાસે પોતાની સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરશે.

આ ઐતિહાસિક પ્રક્રિયા પૂરી થયા પહેલા નાટો મહાસચિવ જનરલ જેન. સ્ટોલટેનબર્ગે બ્રસેલ્સમાં નાટો મુખ્યાલયમાં કહ્યું કે ફિનલેન્ડની મંજૂરી વિના ફિનલેન્ડમાં વધુ નાટો સૈનિકો મોકલવામાં નહીં આવે. જોકે, તેમણે ત્યાં વધુ સૈન્ય અભ્યાસ કરવાની સંભાવનાઓનો ઈનકાર કર્યો નથી અને કહ્યું કે નાટો રશિયાની માગણીઓને સંગઠનના નિર્ણયોને નિર્ધારિત કરવાની મંજૂરી નહીં આપે.

ફિનલેન્ડના મંગળવારે નાટોમાં ઐતિહાસિક જોડાણ પહેલાં જ તેની સંસદીય વેબસાઈટ પર સાઈબર હુમલો થયો હતો અને તે ડિનાયલ ઓફ-સર્વિસથી ખોટકાઈ પડી હતી. આ સાઈબર હુમલાના કારણે સંસદીય વેબસાઈટનો ઉપયોગ મુશ્કેલ બની ગયો હતો અને અનેક પેજ લોડ થઈ શકતા નહોતા જ્યારે કેટલાક પેજ ઉપલબ્ધ બની શક્યા નહોતા. રશિયા તરફી હેકર ગૂ્રપ તરીકે જાણિતા નોનેમ૦૫૭ (૧૬) એ આ હુમલાની જવાબદારી લીધી હતી અને કહ્યું હતું કે આ સાઈબર હુમલો ફિનલેન્ડના નાટોમાં જોડાવાના કારણે કરાયો છે. જોકે તેના દાવાની તાત્કાલિક પુષ્ટી થઈ શકી નથી.

નાટોમાં પ્રવેશ પહેલાં જ ફિનલેન્ડ સંસદની વેબસાઈટ પર હુમલો

ભારત માટે નાટોના દરવાજા ખુલ્લા છે : અમેરિકા

નોર્ડિક દેશ ફિનલેન્ડ દુનિયાના સૌથી શક્તિશાળી લશ્કરી સંગઠન નાટોમાં જોડાઈ ગયું છે અને સ્વિડન પણ જોડાવા માટે લાઈનમાં ઊભું છે ત્યારે ચીનના ભયે ભારતે પણ નાટોમાં જોડાવું જોઈએ તેવી ચર્ચા શરૂ થવા લાગી છે. અમેરિકાના રાજદૂત જુલિયન સ્મિથે સામે ચાલીને ભારતને નાટોમાં જોડાવા માટે ઓફર કરીને આ ચર્ચાને વેગ આપ્યો છે. સ્મિથે ભારપૂર્વક કહ્યું કે, હાલમાં નાટો સંગઠનના વિસ્તરણની કોઈ યોજના નથી. જોકે, ભારત  નાટોમાં જોડાવા ઈચ્છતું હોય તો તેના માટે દરવાજા ખુલ્લા છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રને મુક્ત  અને ખુલ્લું વ્યારિક ક્ષેત્ર રાખવા માટે ભારત અમેરિકા સાથે મહત્વનું ભાગીદાર છે ત્યારે નાટોના સમાન વિચારસરણીવાળા દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ.