નવી દિલ્હી:
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. સસંદનું આ સત્ર મોદી સરકારનું છેલ્લું સત્ર હશે. આ દરમ્યાન સરકાર સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બજેટ સત્ર પહેલા સસંદના બંને ગૃહને સંબોધિત કરી રહ્યા છે. ભાષણની શરૂઆતમાં તેમણે કહ્યું કે હું સમગ્ર રાષ્ટ્ર તરફથી તે શહીદોને સલામ કરું છું, જેમણે દેશ માટે પોતાના જીવનની આહુતિ આપી છે. મારી સરકારના પ્રયાસોમાં શોષણની રાજનીતિ વિરુદ્ધ જાગૃતિ ફેલાવનારા રામ મનોહર લોહિયાનો અવાજ પણ છે. વર્ષ 2014માં મારી સરકારે એક નવા ભારતની રચના કરી હતી. એવા ભારતની જેમાં અસ્વચ્છતા માટે સ્થાન ન હોય.
તેમણે આગળ જણાવ્યું કે વર્ષ 2019નું વર્ષ દેશ માટે અત્યંત મહત્વનું છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 9 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું છે. આ જન આંદોલનને લીધે આજે ગ્રામીણ સ્વચ્છતાનો વિસ્તાર વધીને 98 ટકા થયો છે, જે વર્ષ 2014માં 40 ટકા કરતા પણ ઓછો હતો. આપણી ઘણી માતાઓ, બહેનો અને દીકરીઓ ચૂલાના ધૂમાડાને કારણે બીમાર રહેતી હતી, સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય પ્રભાવિત થતું હતું અને તેમનો મોટા ભાગનો સમય, ઇંધણ ભેગો કરવામાં જતો હતો.
આવી બહેનો-દીકરીઓ માટે મારી સરકારે ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ ગેસ કનેક્શન આપ્યા છે. દશકાના પ્રયત્નો પછી પણ વર્ષ 2014 સુધીમાં આપણા દેશમાં માત્ર 12 કરોડ ગેસ કનેક્શન હતા. ગત સાડા ચાર વર્ષોમાં મારી સરકારે કુલ 13 કરોડ પરિવારોને ગેસ કનેક્શન સાથે જોડ્યા છે. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન’ હેઠળ દેશના 50 કરોડ ગરીબો માટે ગંભીર બીમારીની પરિસ્થિતિમાં દરેક કુટુંબ પર પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીના સારવાર ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી છે. ફક્ત 4 મહિનામાં જ આ યોજના હેઠળ 10 લાખથી વધુ ગરીબ લોકોએ સારવાર લીધી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોદી સરકારની સિદ્ધિઓ જણાવતા આગળ કહ્યું કે ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના’ હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 600થી વધુ જિલ્લાઓમાં 4900 જન ઔષધિ કેન્દ્રો ખુલ્યા છે. તેમાં 700થી વધુ દવાઓ ખૂબ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાઇ રહી છે. માત્ર એક રૂપિયાના પ્રીમિયમ પર ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ અને 90 પૈસા પ્રતિદિનના પ્રીમિયમ પર ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ના રૂપમાં લગભગ 21 કરોડ ગરીબ ભાઈ-બહેનોને વીમા સુરક્ષા કવચ પ્રદાન કરાયું છે.
સરકારની યોજનાઓ વિશે બોલતા કોવિંદે જણાવ્યું કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલા દેશ અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. ચૂંટણી પછી, મારી સરકારે ‘નવું ભારત’ રચવાની પહેલ કરી હતી. મને જણાવતા ખુશી થઇ રહી છે કે સરકારની યોજનાઓનો ફાયદો ગરીબથી ગરીબ લોકો સુધી પહોંચી રહ્યો છે. નાગરિકતા સુધારણા બિલ ભારતમાં શરણાગતિ લેનારા લોકોને ભારતીય નાગરિત્વ પ્રદાન કરવા સરળ રસ્તો બનશે. આ લોકો દોષિત ન હતા, પરંતુ તેઓ આવી પરિસ્થિતિઓનો ભોગ બન્યા હતા.
રાષ્ટ્રપતિએ આગળ જણાવ્યું કે જીએસટી એક લાંબા ગાળાની નીતિ છે અને તે બિઝનેસ સેક્ટર માટે એક વરદાન સમાન છે. દેશમાં કરદાતાઓ આ સરકાર પર વિશ્વાસ રાખે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ‘જન ધન યોજના’ હેઠળ 34 કરોડ લોકોએ બેંકમાં ખાતું ખોલાવ્યું છે અને દેશમાં લગભગ દરેક પરિવાર બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલો છે. આંતરરાષ્ટ્રીય એજન્સી અનુસાર, 2014-2017ની વચ્ચે ખોલવામાં આવેલા કુલ બેંક એકાઉન્ટ્સમાંથી 55% ભારતમાં જ ખોલવામાં આવ્યા હતા.