મમતા V/S સીબીઆઈ ડ્રામાઃ સુપ્રીમ લાલઘુમ, કહ્યું પુરાવા હશે તો પોલીસ કમિશનરને પસ્તાવું પડશે…!

0
67
The standoff between Mamata Banerjee-led West Bengal government and the central government started after the CBI reached Kolkata Police Commissioner Rajeev Kumar's residence on Sunday to question him on the scam.
The standoff between Mamata Banerjee-led West Bengal government and the central government started after the CBI reached Kolkata Police Commissioner Rajeev Kumar's residence on Sunday to question him on the scam.
Mamata Banerjee vs CBI: What is the Saradha scam?

કોલકાતા: મમતા બેનરજી વિરુદ્ધ મોદી સરકારના સીબીઆઇ ડ્રામામાં મમતા બેનરજીએ ગઇ કાલ રાતથી નોનસ્ટોપ ધરણાં ચાલુ રાખ્યાં છે. દરમિયાન શારદા ચીટ ફંડ કૌભાંડમાં સીબીઆઇને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કોલકાતામાં ચાલી રહેલ હાઇપ્રોફાઇલ રાજકીય ડ્રામામાં તરત સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે અને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો શારદા ચીટ કૌભાંડમાં કોલકાતાના પોલીસ કમિશનર વિરુદ્ધ સજ્જડ પુરાવા હોય તો રજૂ કરો. આ કેસની સુનાવણી આવતી કાલે કરવામાં આવશે. 

કોલકાતામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા કર્યાના 24 કલાક પૂરા થવા આવ્યા છે, પરંતુ સીએમ મમતા બેનરજીએ કેન્દ્ર સાથેની આ લડતમાં અડીખમ ઉભા રહી આરપારની લડાઇ લડવાની ઘોષણા કરી છે. આ દરમિયાન તેમણે રાજ્યમાં એક પોલીસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હતા. ખાસ બાબત એ છે કે, આ દરમિયાન મંચ પર મમતા સાથે પોલીસ કમિશનર રાજીવ કુમાર હાજર રહ્યા હતા. મમતા બેનરજીએ સરકારનો વિરોધ કરતા જાહેરાત કરી હતી કે, તે જીવ આપી દેશે પણ પીછેહટ નહી કરે. ભાજપાના આરોપ સામે બેનરજીએ સ્પષ્ટતા કરી હતી કે, પાર્ટી નેતાઓની ધરપકડ વખતે હું ચૂપ રહી હતી, પરંતુ આ વખતે પોલીસ કમિશનરના પદને લાંછન લગાડવામાં આવ્યું છે. જે સહન કરી શકાય એમ નથી. મમતા બેનરજી હાલમાં ધરણા પર બેઠા છે અને ત્યાંથી જ રાજ્યના કાર્યભાળ ફોન પરથી સંભાળી રહ્યા છે. બીજી તરફ વિપક્ષ દળો પર તેમના સમર્થનમાં આવી રહ્યા છે. સૌથી મોટા વિપક્ષ દળ તરીકે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને ફોન કરી તેમના પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળની ઘટનાક્રમ ભારતની સંસ્થાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપાના સતત હુમલાઓનો ભાગ છે. રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ ખભાથી ખભો મેળવી મમતા બેનરજી સાથે છે. રાહુલે આ મામલે ટ્વીટ કરી હતી કે, બધા જ વિપક્ષ દળો એક સાથે ઉભા રહેશે અને ફાસીવાદી તાકતોને હરાવશે.
બીજી તરફ બંગાળના સાંસદ અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યું છે કે, મુખ્યમંત્રી મમતા બેનરજી નાટક કરી રહ્યા છે, રાજ્યમાં કરોડો રુપિયાના કૌભાંડ થયા છે.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇને જણાવ્યું છે કે તે પહેલાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર વિરુદ્ધ પુરાવા રજૂ કરે અને જો તેેઓ દોષિત હશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે તમામ પક્ષકારો પોતાના પુરાવા રજૂ કરે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ જણાવ્યું છે કે જો કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર કોઇ પણ પ્રકારના પુરાવા નાશ કરવાનું વિચારતા હોય તો તેમને પસ્તાવું પડશે. તમે આ મુદ્દે પુરાવા રજૂ કરો.

સીબીઆઇએ પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસ તેમને તપાસમાં સહયોગ કરી રહી નથી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે બંને સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના કરી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સાથે વાતચીત કરી હતી અને ત્યાર બાદ રાજયપાલે મુખ્ય સચિવ અને ડાયરેકટર જનરલ ઓફ પોલીસને બોલાવ્યા છે.

દરમિયાન મમતા બેનરજીનાં ધરણાંને કોંગ્રેસ સહિતના તમામ વિરોધ પક્ષોનું સમર્થન મળી રહ્યું છે. આ ઉપરાંત આજે ટીએમસીના કાર્યકરો બંગાળના અનેક ભાગોમાં મોદી સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. કોલકાતામાં સીબીઆઇના કાર્યાલય અંદર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના વિરોધ પક્ષના નેતાઓ મમતાને સાથ આપવા કોલકાતા પહોંચશે. સંસદના બંને ગૃહોમાં પણ આ મુદ્દો ઉઠાવાશે. કોંગ્રેસ દ્વારા પોતાના રાજ્યસભાના સાંસદોને વ્હિપ જાહેર કરાયો છે.

પોલીસ કમિશનર રાજીવકુમારના ઘરે પૂછપરછ માટે ગયેલી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈના પાંચ અધિકારીઓની રાજ્ય પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. દેશની સૌથી મોટી એજન્સીના અધિકારીઓની આ રીતે અટકાયત કરવામાં આવી હોય એવી આ પ્રથમ ઘટના છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી આરોપી કમિશનર સાથે સીબીઆઈની કાર્યવાહીના વિરોધમાં ધરણાં પર બેસી ગયાં છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરોનો રોષ જોતાં સીબીઆઈની ઓફિસ પર સીઆરપીએફ તહેનાત કરવાની ફરજ પડી છે.

મમતા બેનરજીએ આખી રાત ધરણાં ચાલુ રાખ્યાં છે. તેમનાં આ ધરણાં આજે વિપક્ષોની એકતાની તાકાત પ્રદર્શિત કરવાનો મંચ બની જશે. આજે પશ્ચિમ બંગાળનું બજેટ વિધાનસભામાં રજૂ થવાનું છે ત્યારે પણ મમતા ધરણાં જારી રાખીને દબાણ ઊભું કરશે. બીજી તરફ મમતાનાં ધરણાંથી ટીએમસીના કાર્યકરો બેફામ બન્યા છે અને તેમણે રસ્તા પર ઊતરીને જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.

સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તપાસ એજન્સી કોઈના પણ દબાણમાં આવશે નહીં. આજે સીબીઆઈ કોલકાતા પોલીસ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવી સુપ્રીમમાં પશ્ચિમ બંગાળ સરકારનો પક્ષ રજૂ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપી સુપ્રીમો શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા, બસપાનાં ચીફ માયાવતી, સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના તમામ વિપક્ષી દળોના નેતાઓએ મમતા બેનરજીને આ મુદ્દે સમર્થન આપ્યું છે અને લડી લેવાનો નિર્ધાર કર્યો છે.