ચોથા દિવસે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ રવિચંદ્રન અશ્વિન માટે ખાસ બની છે. અશ્વિને આ ટેસ્ટમાં અત્યાર સુધી ત્રણ વિકેટ ઝડપી છે. આ સાથે તે ભારતનો બીજો સૌથી સફળ બોલર બની ગયો છે. આ સાથે જ તેણે વધુ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બન્યો
પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. તેના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 712 વિકેટ છે. આ રેકોર્ડ લિસ્ટમાં અનિલ કુંબલે 956 વિકેટ સાથે ટોપ પર છે. 711 વિકેટ લેનાર પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહને અશ્વિને પાછળ છોડી દીધો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
956 – અનિલ કુંબલે
712 – રવિચંદ્રન અશ્વિન
711 – હરભજન સિંહ
687 – કપિલ દેવ
610 – ઝહીર ખાન
આ રેકોર્ડ લિસ્ટમાં અશ્વિને કુંબલેને પણ પાછળ છોડી દીધો
આ સાથે જ અશ્વિન વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે કુંબલેને પાછળ છોડી બીજા નંબર પર આવી ગયો છે. અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે 75 વિકેટ ઝડપી છે. જ્યારે કુંબલેએ 74 વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ લિસ્ટમાં પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ 89 વિકેટ સાથે નંબર 1 પર છે.
ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ
89 – કપિલ દેવ
75 – રવિચંદ્રન અશ્વિન
74 – અનિલ કુંબલે
68 – શ્રીનિવાસ વેંકટરાઘવન
65 – ભાગવત ચંદ્રશેખર