આ ભારતીય બોલર વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વનડે સિરીઝ નહીં રમે! સામે આવ્યું મોટું કારણ

0
3

ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર 5 મેચની T20 સિરીઝ પણ રમવાની છે

વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ આજે બાર્બાડોસમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે અને તે ભારત પરત ફર્યો છે. મોહમ્મદ શમીની ગેરહાજરીમાં સિરાજ આ પ્રવાસમાં ફાસ્ટ બોલિંગનો મુખિયા હતો, પરંતુ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ 2023 જેવી મોટી ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સિરાજે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં કરિયરની બીજી 5 વિકેટ ઝડપી હતી. આ સિરીઝ ભારતે 1-0થી જીતી હતી. મળેલા અહેવાલો અનુસાર મોહમ્મદ સિરાજ ટેસ્ટ ટીમમાં સામેલ આર અશ્વિન, કેએસ ભરત, અજિંક્ય રહાણે અને નવદીપ સૈની સાથે સ્વદેશ પરત ફર્યો છે. તેના વર્કલોડ મેનેજમેન્ટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર 5 મેચની T20 સિરીઝ પણ રમવાની છે, પરંતુ સિરાજ T20 ટીમનો ભાગ નથી. જો કે BCCIએ હજુ સુધી મોહમ્મદ સિરાજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ભારત પાસે હવે ફાસ્ટ બોલર તરીકે ઉમરાન મલિક, હાર્દિક પંડ્યા, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર અને શાર્દુલ ઠાકુર છે. વર્ષ 2022 ની શરૂઆતથી સિરાજે વનડેમાં 43 વિકેટ લીધી છે જે અન્ય કોઈપણ ભારતીય દ્વારા સૌથી વધુ છે.વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતે આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 સિરીઝ રમવાની છે. સિરાજ આ સિરીઝમાં પણ નહીં રમે. પરંતુ આ પછી તે સતત ત્રણ મહિના સુધી એક્શનમાં જોવા મળશે. એશિયા કપ 2023 ઓગસ્ટના અંતમાં શરૂ થશે, ત્યારબાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. આ ઉપરાંત ભારત ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ રમશે.