આઇઆરસીટીસીએ તાજેતરમાં ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે નવરાત્રિના નવ દિવસ દરમ્યાન ઉપવાસ કરનારા મુસાફરોને તકલીફ ન પડે એ માટે ઉપવાસનું સાત્વિક ભોજન પણ મળી શકશે. ઉપવાસ કરનારા લોકો ઈ-કૅટરિંગ સર્વિસ દ્વારા વ્રતનું ભોજન ઑર્ડર કરી શકે છે. સાત ઑક્ટોબર સુધી આ સર્વિસ ચાલવાની છે જેના મેનુમાં સાબુદાણાની આઇટમો, આલુ ટિક્કી, નવરાત્રિ થાળી, જીરા આલુ, ફ્રેન્ચ ફ્રાઇઝ, ફરાળી ચેવડો, ફરાળી નમકીન્સ, મખાના, મલાઈ બરફી, રસમલાઈ, મિલ્ક કેક, લસ્સી જેવી ઉપવાસમાં ખાઈ શકાય એવી ચીજો છે. આ સર્વિસ ચુનંદા સ્ટેશનો પરના રેસ્ટોરાંઓમાંથી પૂરી પાડવામાં આવશે.
કાનપુર, જબલપુર, રતલામ, જયપુર, પટના, રાજેન્દ્રનગર, હજરત નિઝામુદ્દીન, અંબાલા કૅન્ટ, ઝાંસી, ઔરંગાબાદ, અકોલા, ઇતારસી, વસઈ રોડ, વાપી, કલ્યાણ, બોરીવલી, દુર્ગ, ગ્વાલિયર, મથુરા, નાગપુર, ભાપાલ, ઉજ્જૈન અને અહમદનગર જેવા સ્ટેશનો પરથી ખાવાનું આપવામાં આવશે. ઈ-કૅટરિંગ વેબસાઇટ અથવા ફૂડ ઑન ટ્રક મોબાઇલ ઍપ દ્વારા પહેલેથી ઑર્ડર આપવાનો રહેશે.