ભાજપને પડકારવા નીતિશ કુમારના આહ્વાન પર આજે બિહારમાં વિપક્ષનો જમાવડો
જોકે અનેક પક્ષો વચ્ચે મતભેદોના સંકેત પણ માયાવતીએ કહ્યું – દિલ મળે કે ન મળે , હાથ મિલાવો
ભાજપ વિરુદ્ધ મોરચો ખોલતા એકજૂટ થવા માટે આજે બિહારના પટણામાં વિપક્ષી દળોની બેઠક યોજાવા જઈ રહી છે. લગભગ 2014 બાદ પહેલીવાર વિપક્ષી દળો એક મંચ પર પહેલીવાર એકસાથે એકજૂટ થશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષને એક કરવા માટે આ બેઠક બોલાવી છે. જેમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિપક્ષી પાર્ટીઓના તમામ મોટા નેતાઓ સામેલ થશે.
બેઠક પહેલાં જ મતભેદના સંકેત
વિરોધ પક્ષોની બેઠક પહેલા જ મતભેદોના સંકેત મળી રહ્યા છે. જો કોંગ્રેસ દિલ્હી સંબંધિત કેન્દ્ર સરકારના વટહુકમને સમર્થન નહીં આપે તો કોઈપણ સમયે બેઠક છોડી દેવાની આમ આદમી પાર્ટીની ધમકી વચ્ચે, પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પટના પહોંચ્યા અને પંજાબના સીએમ ભગવંત માનની સાથે નીતિશ કુમારને પણ મળ્યા. JDUના સૂત્રોએ જણાવ્યું કે, AAP ઈચ્છે છે કે અન્ય વિપક્ષી દળોની જેમ કોંગ્રેસ પણ રાજ્યસભામાં વટહુકમ સામે પોતાનો વિરોધ જાહેર કરે.
કોંગ્રેસે મમતા અંગે કરી આ ટિપ્પણી
લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધિરરંજન ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને વિપક્ષી એકતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ ગણાવ્યા છે. તેઓ બંગાળમાં હડતાળ પર બેઠાં છે. તેમણે શાસક તૃણમૂલ પર પંચાયત ચૂંટણીમાં હિંસા અને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.
મમતાએ પણ કોંગ્રેસ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો
અગાઉ પંચાયત ચૂંટણીમાં CPI(M)-કોંગ્રેસના ગઠબંધનથી નારાજ મમતાએ કોંગ્રેસને સહકાર નહીં આપવાની જાહેરાત કરી હતી. જોકે આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ કોંગ્રેસ અને મમતા વચ્ચે ચાલી રહેલી ખટાશને ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ મોડી સાંજે પટના પહોંચ્યા હતા.
એક પરિવારની જેમ ભાજપ સાથે મળીને લડીશું: મમતા
મમતાએ કહ્યું કે, અમે એક પરિવારની જેમ સાથે મળીને ભાજપ સામે લડીશું. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી બહાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરશે. આ દરમિયાન માયાવતીએ પણ એમ કહ્યું હતું કે દિલ મળે કે ન મળે પણ તમામ દળોએ ભાજપને હરાવવા માટે હાથ મિલાવવા જોઈએ.