શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. મણિનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તસ્કરો ૧૬.૬૦ લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. દાદીની તબિયત ખરાબ હોવાથી મકાન બંધ કરીને પરિવાર હોસ્પિટલમાં હતો તે સમયે તસ્કરોએ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે.મણિનગર વિસ્તારમાં આવેલ હરિહર સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય અંકિત ઠક્કરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. અંકિતભાઈ ઓઢવમાં આવેલી એક ખાનગી કંપનીમાં આસિસટ્ન્ટમેનેજર-ડિઝાઈનર તરીકે નોકરી કરે છે. અંકિતભાઈનાં દાદીને ફેફસાંની બીમારી થતાં ગાંધીનગરની એસએમવીએસ હોસ્પિટલમાં દાખલ કરવાં આવ્યાં હતાં. દાદીની તબિયત ખરાબ હોવાથી રૂપિયાની જરૂર પડશે તેમ વિચારીને અંકિતભાઈનાં દાદીના સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકરમાંથી પાંચ કિલો ચાંદીની લગડીઓ તથા સાત તોલા સોનાના દાગીના લાવીને બેડરૂમની તિજોરીમાં મૂક્યા હતા. બીજા દિવસે અંકિતભાઈ દાદીનાં કસરત કરવાનાં સાધન લઈ ઘરને લોક મારી નોકરીએ ગયા હતા અને સાંજે અંકિતભાઈ સીધા હોસ્પિટલ ગયા હતા.ત્યારબાદ ગઇ કાલે સવારના દસ વાગ્યાની આસપાસ અંકિતભાઈ નોકરી પર હાજર હતા ત્યારે તેમની પત્નીનો તેમના પર ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે પાડોશમાં રહેતાં જ્યોતિબહેનનો ફોન આવ્યો હતો કે તમારા ઘરની પાછળની બારીની ગ્રીલ તૂટેલી છે. આથી અંકિતભાઈ નોકરી પરથી સીધા તેમના ઘરે આવી ગયા હતા, જ્યાં ઘરનો સરસામાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરી પણ ખુલ્લી હતી. અંકિતભાઈએ તિજોરી ચેક કરતાં તેમાં રહેલા ૩૭. પ તોલા સોનું અને આઠ કિલો ચાંદીના દાગીના ગાયબ હતાં. ચોરીની જાણ થતાં આડોશપાડોશના લોકો અંકિતભાઈના ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મણિનગર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ બારીની ગ્રીલ તોડીને બેડરૂમમાં પ્રવેશ કરી તિજોરીમાંથી કુલ રૂ.૧૧ લાખનું સોનું તેમજ ૩.ર૦ લાખ રૂપિયાની ચાંદી મળીને કુલ ૧૬.૬૦ લાખ રૂપિયાની ચોરી કરી છે.