ઑક્ટોબર મહિનો લોકો માટે અનેક ખુશખબર લઈને આવ્યો છે. થોડા દિવસ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. નરેન્દ્ર મોદીની આ અપીલ મધર ડેરીએ સાંભળી લીધી છે. ડેરીએ એક મોટો નિર્ણય લેતાં લૂઝ દૂધ (ટોકનવાળું દૂધ)ના ભાવમાં ૪ રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. હાલમાં દિલ્હીમાં ૯૦૦ બૂથ પર લોકો આ દૂધ મેળવી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે લોકો લૂઝ દૂધ (છૂટું દૂધ) ખરીદવા માટે પ્રેરાય એ માટે ડેરી તરફથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દૂધ પ્લાસ્ટિકની થેલીમાં વેચવામાં આવે છે, પરંતુ જો તમે પોતાનું વાસણ લઈને દૂધ ખરીદવા જશો તો આવું દૂધ પ્લાસ્ટિક પૅકિંગ કરતાં ૪ રૂપિયા સસ્તું મળશે.
આ અંગે કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે દૂધની કિંમતમાં ૪ રૂપિયાનો ઘટાડો કરતાં ગ્રાહકોને વર્ષે ૯૦ કરોડનો ફાયદો થશે. આ દૂધ મધર ડેરીનાં આઉટલેટ્સ પર પણ ઉપલબ્ધ હશે. આ માટે કંપની પોતાની ક્ષમતાને પણ વધારશે. લોકો વેન્ડિંગ મશીનથી આ દૂધ મેળવી શકશે.
કંપનીના અધિકારી સંગ્રામ ચૌધરીનું કહેવું છે કે અમે ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ પર્યાવરણની જાળવણી માટે ગુણવત્તાવાળા ટોકન દૂધને અપનાવી પોતાનું યોગદાન આપે. એક લીટર દૂધના પૅકિંગમાં ૪.૨ ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. એવામાં લૂઝ દૂધના વેચાણથી વર્ષે ૯૦૦ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થશે. આવું કરીને પ્લાસ્ટિકથી પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી શકાશે.
ડેરીના જણાવ્યા પ્રમાણે દિલ્હી ઉપરાંત એની આસપાસના વિસ્તારો જેવા કે ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, સાહિબાબાદ, ગુરુગ્રામ અને ફરિદાબાદમાં પણ ટોકનવાળું દૂધ મળશે. આ માટે ડેરીએ ખાસ યોજના તૈયાર કરી છે. દૂધની માગણીને પહોંચી વળવા માટે ડેરીએ પોતાની ક્ષમતા પણ વધારી છે. દૂધની માગણીને પૂરી કરવા માટે ડેરીએ પોતાની દરરોજની ક્ષમતા ૧૦ લાખ લીટર જેટલી વધારી છે.