દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વધુ એક દુર્ઘટના બની છે. મુંબઈના ખાર વેસ્ટ વિસ્તારમાં પાંચ માળની બિલ્ડિંગનો કેટલોક ભાગ પડી જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે કાટમાળમાં કેટલાક લોકો દટાયા હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, બીએમસીના અધિકારીઓ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે બપોરે 1.15 વાગ્યે બિલ્ડિંગનો એક ભાગ અચાનક જ જમીનદોસ્ત થઈ ગયો. આ બિલ્ડિંગમાં લિફ્ટ અને સીડી તરફનો ભાગ જ ધરાશાયી થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો ત્યારે લિફ્ટ પાસે કેટલાક લોકો હતા, તો બેઝમેન્ટમાં પણ કેટલાક લોકો હાજર હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. હજીય કાટમાળ નીચે દબાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
મુંબઈ ફાયર બ્રિગેડના કહેવા પ્રમાણે બિલ્ડીંગમાંથી બાકીના લોકોને રેસ્ક્યુ કરી દેવાયા છે. બિલ્ડિંગનો સીડીનો ભાગ ધરાશાયી થયો હોવાથી ફાયરબ્રિગેડની લેડર્સ દ્વારા લોકોને બિલ્ડિંગની બહાર કઢાઈ રહ્યા છે. તો બીએમસીના ડિઝાસ્ટર મેનમેન્જન વિભાગના કહેવા પ્રમાણે આ બિલ્ડિંગનું નામ પૂજા છે, જે ખાસ જિમખાના પાસે આવેલું છે. ફાયર બ્રિગેડે આને લેવલ થ્રીની ઘટના જાહેર કરી છે.