રાકેશ અસ્થાના પછી મોદીના માનીતા વધુ એક ઉચ્ચ અધિકારી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના સંયુક્ત નિયામક રાજેશ્વર સિંઘે નાણાં મંત્રાલયના સચિવ હસમુખ અઢિયા સામે ત્રણ મહિના પહેલાં ગંભીર આક્ષેપો કર્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. ગુજરાત કેડરના ત્રણ અધિકારી કેન્દ્ર સરકારની છાપ ખરડી રહ્યા છે એવો ચીંટિયો સુબ્રહ્મણ્યમ સ્વામીએ ભર્યા પછી એક નવો વિવાદ સામે આવ્યો છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમના માનીતા ગણાતા હસમુખ અઢિયા હાલ કેન્દ્રમાં નાણાં મંત્રાલયના સચિવ તરીકેની અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. ગત જૂન મહિનામાં અઢિયા સામે EDના જોઈન્ટ ડિરેક્ટરે ગંભીર આક્ષેપો કરતો પત્ર EDના ડાયરેક્ટર કર્નલસિંઘને લખ્યો હતો. એ વખતે સર્જાયેલો વિવાદ હવે નવેસરથી આગ પકડે તેવી શક્યતા જણાઈ રહી છે.
કોણ છે હસમુખ અઢિયા? શા માટે છે મોદીના માનીતા?
– સમગ્ર વિવાદ સમજવા માટે સંકળાયેલા બંને ઉચ્ચ અધિકારીઓ હસમુખ અઢિયા અને ડો. રાજેશ્વરસિંઘનો પરિચય મેળવવો જરૂરી છે.
– ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી અઢિયા 1981ની બેચના IAS છે. મૂળ ગુજરાતી હોવાના નાતે પરંપરાગત ગુજરાતી કોઠાસૂઝ ધરાવતા અઢિયાની કામગીરીથી મુખ્યમંત્રી તરીકે મોદી ભારે પ્રભાવિત હતા અને તેમણે ગુજરાતમાં પોતાના શાસન દરમિયાન અઢિયાને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી હતી.
– મોદી વડાપ્રધાન બન્યા બાદ નવેમ્બર, 2014માં અઢિયાને દિલ્હી લાવવામાં આવ્યા અને નાણાં મંત્રાલયના સચિવ તેમજ મહેસુલ સચિવ તરીકેની ચાવીરૂપ જવાબદારી સોંપવામાં આવી.
– નોટબંધી જેવા અત્યંત ગંભીર નિર્ણય વખતે પણ હસમુખ અઢિયાની નિર્ણાયક ભૂમિકા હતી.
કોણ છે ડો. રાજેશ્વરસિંઘ?
– UP કેડરના 1998ની બેચના IPS ઓફિસર રાજેશ્વર સિંઘ અઢિયાની સરખામણીએ જૂનિયર છે, પરંતુ તેમની કામગીરી અત્યંત યશસ્વી હોવાના કારણે હાલ તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના જોઈન્ટ ડાયરેક્ટર જેવા શક્તિશાળી પદ પર પહોંચી ચૂક્યા છે.
– 2007થી EDમાં ડેપ્યુટેશન પર આવેલા રાજેશ્વર સિંઘે સપાટો બોલાવ્યો હતો. ખનીજ ઉત્ખનનના ભ્રષ્ટાચારમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની ધરપકડ, 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં દૂરસંચાર મંત્રી એ. રાજા અને કનિમોઝીની ધરપકડ સહિતની કામગીરી રાજેશ્વર સિંઘના ખાતે બોલાય છે.
– બહુચર્ચિત કોલસા કૌભાંડ, સહારા કૌભાંડ, એરસેલ મેક્સિસ કેસ અને ઓમપ્રકાશ ચૌટાલાને જેમાં જેલની સજા થઈ એ કેસમાં પણ રાજેશ્વર સિંઘ તપાસ અધિકારી રહી ચૂક્યા છે.
શું છે અઢિયા-રાજેશ્વર વિવાદ?
– પોતાના પ્રત્યે કિન્નાખોરી દાખવીને પ્રમોશનથી વંચિત રાખવામાં આવે છે એ મુદ્દે રાજેશ્વર સિંઘે ગત જૂન મહિનામાં પોતાના ઉપરી અને EDના ડિરેક્ટર કર્નલસિંઘ તેમજ રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાને આઠ પાનાનો પત્ર લખીને બહુ જ ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે પોતાની યશસ્વી કારકિર્દી છતાં મળવાપાત્ર પ્રમોશનથી વંચિત રાખવા માટે અઢિયાને જવાબદાર ઠરાવી તેમને કોર્પોરેટ લોબીઈસ્ટના ઈશારે કામ કરનારા અને ભ્રષ્ટાચારીઓને છાવરનારા ગણાવ્યા હતા.
અઢિયાએ વળતો પ્રહાર કર્યો હતો
– રાજેશ્વરસિંઘના સ્ફોટક પત્ર પછી તેમની સામે નાણાં મંત્રાલયે સત્તાવાર આરોપનામું ઘડ્યું હતું. એટલું જ નહિ, સર્વોચ્ચ અદાલત સમક્ષ અઢિયાએ જાસુસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ઈનપુટના આધારે રાજેશ્વર સિંઘ પર ગંભીર આક્ષેપ મૂક્યો હતો કે તેઓ દુબઈ સ્થિત દાનીશ શાહ નામના શંકાસ્પદ વ્યક્તિ સાથે સંબંધો ધરાવે છે. અલબત્ત, આ આક્ષેપ સામે EDના ડિરેક્ટર સહિત દરેક અધિકારી રાજેશ્વરસિંઘની તરફેણમાં ઊભા રહ્યા હતા અને દુબઈથી દાનીશ શાહ દ્વાર ફક્ત એક જ વાર રાજેશ્વરસિંઘને ફોન થયો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને એ ફોન એક કેસ સંબંધિત અગત્યની બાતમી આપવા માટે હતો. આ ફોન અંગે જે-તે સમયે રાજેશ્વરસિંઘે પોતાના ઉપરીને જાણ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અઢિયા પર સ્વામી પણ ગંભીર આક્ષેપ કરે છે
– રાજેશ્વરસિંઘે લખેલા સ્ફોટક પત્ર જાહેર થઈ જતાં નાણાં મંત્રાલય અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ વચ્ચેનો વિખવાદ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. એ પછી ઉચ્ચસ્તરેથી દરમિયાનગીરી થવાના કારણે મામલો થાળે પડ્યો હતો. એ વખતે રાજેશ્વરસિંઘે પોતે આવેશમાં આવીને પત્ર લખ્યું હોવાનું સ્વિકારીને માફી માગી હતી. પરંતુ ભાજપના ટોચના નેતા સુબ્રમણિયમ સ્વામીએ એ વખતે રાજેશ્વરસિંઘની તરફેણમાં સંખ્યાબંધ ટ્વિટ કરીને હસમુખ અઢિયાની ઝાટકણી કાઢી હતી તેમજ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ સામેના કેસમાં રાજેશ્વરસિંઘને તપાસ કરતાં રોકવા માટે અઢિયા પ્રયત્નશીલ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
હવે ફરીથી અઢિયા નિશાન પર
– અસ્થાના – આલોક વર્મા વિવાદ સંદર્ભે ગુરુવારે સુબ્રમણિયમ સ્વામીએ ગુજરાત કેડરના ચાર અધિકારીનો ઉલ્લેખ કરીને ફરીથી હસમુખ અઢિયા પર નિશાન સાધ્યું છે. અઢિયા હજુ પણ પોતાની સામે બાંયો ચઢાવનાર રાજેશ્વર સિંઘ સામે શિક્ષાત્મક પગલાંઓ લેવા કટિબદ્ધ હોવાનું મનાય છે. જો એવી કોઈ કાર્યવાહી થશે તો ફરીથી અઢિયા વિ. EDનો નવો વિવાદ મોદી સરકાર માટે માથાનો દુઃખાવો ઊભો કરી શકે છે.
અઢિયાને સંડોવતા વિવાદો
– નોટબંધી વખતે કેટલાંક કોર્પોરેટ જાયન્ટ્સને મદદરૂપ થવાનો આરોપ
– કોલસા કૌભાંડમાં અદાણી જૂથની તરફેણ કરવાનો આરોપ (1 ઓક્ટોબર, 2018)
– ભાગેડુ નિરવ મોદી, મેહુલ ચોક્સીને સહાયતા કરવાનો આરોપ (26 સપ્ટેમ્બર, 2018)
– 2G સ્પેક્ટ્રમ કેસમાં દયાનિધી મારનની તરફદારી કરવાનો આરોપ
– સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ દરેક આક્ષેપો જાહેરમાં કર્યા છે અને વડાપ્રધાન મોદીની દરમિયાનગીરીની માગણી પણ કરી છે.