(જી.એન.એસ)શ્રીરામપુર,તા.૨૯
પીએમ મોદીએ દાવો કર્યો છે કે મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના ૪૦ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. પશ્ચિમ બંગાળના શ્રીરામપુરમાં રેલી સંબોધતા મોદીએ મમતા બેનર્જીની ઝાટકણી કાઢતા ચેતવણી આપી હતી કે તેમના પક્ષમાં મોટો બળવો થવાના એંધાણ છે. પીએમે જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી જીતી જાય પછી દીદીના ધારાસભ્યો પણ તેમને છોડી દેશે, અને તમારા ૪૦ ધારાસભ્યો હાલની તારીખે અમારા સંપર્કમાં છે.
પીએમે એમ પણ જણાવ્યું હતું કે, મમતા બેનર્જી ઈચ્છે છે કે પશ્ચિમ બંગાળની પોલીસ તેમની પ્રાઈવેટ સિક્યોરિટીની માફક કામ કરે. આ ઉપરાંત તેમણે ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાનો પણ દાવો કરતા કહ્યું હતું કે, ગુંડાઓ લોકોને પોતાના મતાધિકારનો પ્રયોગ કરતા રોકી રહ્યા છે. પીએમે કહ્યું હતું કે, ટીએમસીના ગુંડા લોકોને મત આપવા નથી જવા દઈ રહ્યા, અને ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યા છે. ભાજપના નેતાઓને પ્રચાર પણ નથી કરવા દેવામાં આવી રહ્યો.
મમતા બેનર્જીને આડે હાથે લેતા પીએમે કહ્યું હતું કે, થોડીઘણી બેઠકો હાથમાં આવવાથી તમે દિલ્હી નહીં પહોંચી શકો દીદી. દિલ્હી ઘણું દૂર છે. દિલ્હી જવાનું તો માત્ર એક બહાનું છે. તમારો ખરો ઉદ્દેશ તો તમારા ભત્રીજાને રાજકારણમાં પ્રસ્થાપિત કરવાનો છે. મમતા બેનર્જીના વારંવાર ગુસ્સે થઈ જવા પર મજાક કરતા પીએમે કહ્યું હતું કે, દીદીને પોતાની હાર દેખાઈ રહી છે. તેઓ પીએમ બનવાના સપનાં જાઈ શકે તેમ નથી.
વિપક્ષો દ્વારા ઈવીએમને દોષ દેવા અંગે પીએમે કહ્યું હતું કે વિરોધીઓએ તેમને ગાળો દીધા બાદ હવે ઈવીએમની ટીકા કરવાનું શરુ કર્યું છે કારણકે તેમની હાર નિશ્ચિત છે. પહેલા માત્ર મોદીને ગાળો દેવાતી હતી, હવે ઈવીએમને ગાળો દેવાય છે. વિરોધીઓ પર હાર તોળાઈ રહી છે માટે તેઓ આમ કરી રહ્યા છે.
વડાપ્રધાનએ કહ્યું કે ઈમાનદારી અને નીયત સાફ હોય તો લૂંટ-ભ્રષ્ટાચાર વગરની સરકાર પણ ચાલે છે અને દેશ વિકાસ કરી શકે છે. આજે આ કારણે જ આખો દેશ પૂરાં વિશ્વાસની સાથે તમારા આ સેવક, તમારા આ ચોકીદારની સાથે ઊભો છે.
વિપક્ષના લોકો પોતાના ભવિષ્યને બચાવવાની મથામણ કરે છે. ઝારખંડનાં થયેલી લૂંટ-ઝપટને લઈને મુખ્યમંત્રીઓને પણ જેલ જવું પડ્યું છે. અમે રેલવેના ઇસ્ટર્ન કોરિડોર પર કામ કરી રહ્યાં છીએ. રસ્તાની સ્થિતિ પહેલાંથી સારી થઈ છે. આ બધું જ પહેલાં જ થઈ ગયું હોત પરંતુ કોંગ્રેસ સરકારે તમારું હિત જ નથી જાયું. તેઓ પછાત વર્ગને મળતા લાભના નિર્ણયો ટાળતા રહ્યાં હતા.
પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો અપાવવામાં તેઓએ અનેક રોડાઓ અટકાવ્યાં છે. જ્યાં તેઓને લાભ નથી દેખાતો તે બાજુ આ લોકો જાતા પણ નથી.