મોરબી બ્રિજ હોનારત મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી થશે. જેમાં SIT અને નગરપાલિકા કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે. સાથે જ એસ.આઇ.ટી પોતાનો રિપોર્ટ પણ રજૂ કરશે. રાજ્ય સરકારે તપાસ માટે રચેલ SIT એ પોતાનો પ્રિલીમરી રિપોર્ટ બંધ કવરમાં ગુજરાત હાઇકોર્ટને સોંપ્યો છે. ત્યારે આ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રાજ્ય સરકારે તપાસ માટે રચેલ SIT એ પોતાનો પ્રિલીમરી રિપોર્ટ બંધ કવરમાં ગુજરાત હાઇકોર્ટને સોંપ્યો છે. SIT એ એક રિપોર્ટ ગુજરાત સરકારને પણ સોપ્યો છે. મોરબી બ્રિજ તૂટવામાં પ્રાથમિક કારણોનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. SIT એ પ્રિલીમરી રિપોર્ટ રજૂ કર્યો ફાઇનલ રિપોર્ટ હજુ રજૂ કરવામાં આવશે. મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તેની તપાસ માટે SIT ની રચના કરી હતી.
એસઆઈટીના રિપોર્ટમાં મોરબી ઝૂલતા પુલમાં હોનારત અગાઉ જ ક્ષતિ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં નોંધાયું કે, પુલના મુખ્ય બે કેબલમાંના એકમાં કાટ લાગી ગયો હતો અને પુલ તૂટતા પહેલાં જ તેના લગભગ અડધા વાયરો તૂટી ગયા હોઈ શકે છે. પુલનો મુખ્ય કેબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પુલના તમામ કેબલ સાત સ્ટ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત સ્ટ્રેન્ડમાં એકસાથે જોડવામાં આવ્યા હતા. આ 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. જેને કારણે તે પહેલાં જ તૂટી ગયા હશે. બાકીના 27 વાયર દુર્ઘટના સમયે તૂટ્યા હોઈ શકે છે.
સાથે જ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું કે, રિનોવેશન દરમિયાન ભરપૂર બેદરકારી દાખવવામાં આવી હતી. સાથે જ પુલનું વૉકિંગ સ્ટ્રક્ચર લાકડાના લવચીક પાટિયાની જગ્યાએ કઠોર ઍલ્યુમિનિયમ પૅનલ્સમાંથી બનાવેલું હતું. એસઆઈટીના રિપોર્ટ મુજબ, જો એ લાકડાનું હોત તો જાનહાનિ ઘટી શકી હોત.
ગત સુનાવણીમાં નગરપાલિકાના સભ્યોએ વધુ સમયની માંગ કરી હતી. ત્યારે હાઇકોર્ટે તે અરજી ફગાવી હતી. આજે મોરબી બ્રિજ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ મહત્વના બની રહેશે. રાજ્યના બ્રિજની સ્થિતિનો રિપોર્ટ સરકાર રજૂ કરશે.