મોરારીબાપૂએ લાડુડી ખાઈને નીલકંઠ ન થવાય તેવું નિવેદન કર્યું. એ પછી સ્વામીનારાયણ સંપ્રદાયમાં વિરોધ વંટોળ ઊભો થયો હતો. વિરોધ વંટોળ બાદ શનિવારે મોરારીબાપૂએ માફી તો માંગી પણ કયા પરિપ્રેક્ષ્યમાં તે વિશે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
આ વિવાદ વચ્ચે રવિવારે સ્વામીનારાયણ સંપ્રદાયના વિશ્વવલ્લભ સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આ સ્વામી દલિત સમુદાય માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. મોરારીબાપુના જ વિવાદના મધપૂડા પછી અચાનક જ કેમ વિવિધ સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય વધે તેવા પ્રકારના વીડિયો ફૂટી નીકળ્યા છે તે સંજોગોવસાત્ છે કે કેમ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હાલમાં જ ગોંડલના શ્રી રામજી મંદિરે ચાલી રહેલી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે મેઘાવી માહોલ વચ્ચે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની હાજરીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. દેશ-વિદેશમાંથી શ્રોતાઓ ઉમટ્યા હતા. ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી દંભી પાખંડી લોકોની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને કટાક્ષમાં જણાવ્યું હતું કે જ્યાં વેદ પ્રામાણ્ય નહીં તેનો સ્વીકાર થતો નથી, લોક શાસ્ત્રાર્થમાં પણ વેદ પ્રામાણ્ય જોઈએ. દલીલો કે તર્ક થઈ શાસ્ત્રાર્થ થતું નથી. કેટલાક લોકોએ તો કેટલાક નવા ભગવાન, કેટલાક નવા માતાજી, કેટલાક નવા દેવતા, કેટલીક નવી કથાઓ ઉભી કરી છે, જબરજસ્તીથી તેનું પુરાણ સાથે કનેક્શન બેસાડી દેવામાં આવે છે.
જીવતા અને મરતા આપણને ભાગવત શીખવાડે છે
ભાઇશ્રીએ વધુમાં કહ્યું હતું કે, આપણા ધર્મની આ અવ્યવસ્થા છે, ક્યારેક તો એવું લાગે છે કે આપણે ગોડ મેન્યુફેક્ચરીંગ કંપની થઈ ગયા છીએ. વેદને જે ન સ્વીકારે તે નાસ્તિક છે, આપણો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. જીવતા અને મરતા આપણને ભાગવત શીખવાડે છે. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાંથી છટકવું જો માણસ સમજી લે તો તેણે ક્યાંય ભટકવું ન પડે, કરોળિયાની જેમ ઝાડુ કરાય, રેશમના કીડાની જેમ નહીં, નહીંતર આપણી રચના સંસાર જ આપણને ખાઈ જાય, તમારો ધંધો તમને દોડાવ્યા કરે છે, તમે શેઠ છો પણ શાંતિથી ખાવા નથી બેસી શકતા, આ આપણી રચનામાં જ આપણે ફસાઈ ગયા છીએ.