અમદાવાદ, તા. ૧
ગુજરાતના જુદા જુદા ભાગોમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકિદની બેઠક યોજી છે. રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તાકિદની બેઠક યોજીને પરિસ્થતિ અંગે માહિતી મેળવી હતી. સાથે સાથે પરિસ્થતિનો તાગ મેળવી તમામ સંબંધિત પરિસ્થતિને પહોંચી વળવા વહીવટીતંત્રને જરૂરી સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તમામ જગ્યાઓ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટોપ અધિકારીઓ ઉપસ્થત રહ્યા હતા. રૂપાણીએ વડોદરા શહેર અને જિલ્લા સહિત રાજ્યની વરસાદની સ્થતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રૂપાણી પોતે આજે પરિસ્થતિ અંગે માહિતી મેળવવા પુનઃ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બપોરે પહોંચ્યા હતા. વડોદરામાં કાર્યરત આઈએએસ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે ફોન પર વાતચીત કરી હતી. તમામ બાબતોની નોંધ લેવામાં આવી રહી છે. વડોદરાના નિચાણવાળા વિસ્તારો ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ ઉપરાંત આર્મી, એસડીઆરએફ, હેલિકોપ્ટરોની મદદ લેવામાં આવી રહી છે. વડોદરામાં એનડીઆરએફની ચાર ટીમ પહેલાથી જ સક્રિય છે. સેનાની બે ટુકડી પણ તૈનાત છે. એસઆરપીની બે ટુકડી તૈનાત છે. ફાયર ટીમ પણ ફરજ બજાવી રહી છે. એરફોર્સ અને ડિફેન્સ ટીમ પણ મદદ માટે વાત કરી ચુકી છે. જનજીવનને સામાન્ય કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. પાણીને ખેંચી લેવા માટે ડી વોટરિંગ પંપ મોટી સંખ્યામાં કામે લગાયા છે.