વડોદરા : દૂધ વિતરણ વ્યવસ્થા ઠપ થતાં ભાવ આસમાને રહ્યા

0
94

અમદાવાદ, તા.૧
વડોદરામાં ગઇકાલે ખાબકેલા ૨૧ ઇંચ વરસાદ બાદ બરોડા ડેરીની દૂધ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. જેને પગલે શહેરમાં દૂધ પ્રતિ લિટર ૧૦૦ના ભાવે વેચાતુ જાવા મળ્યું હતું. પૂરના પાણી અને જળબંબાકારની Âસ્થતિ વચ્ચે લોકો દૂધ, પીવાના પાણી, શાકભાજી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમ જ ખાવા-પીવા માટે વલખાં મારતા નજરે પડતા હતા. બરોડા ડેરીના વાહનો ગુરુવારે સવારે ૪.૬૦ લાખ લિટર દૂધનું વિતરણ કરવા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા. પરંતુ શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરક હોવાથી વાહનો જઈ શક્યા નહોતા. જેના કારણે ૭૦,૦૦૦ લિટર દૂધ ડેરીમાં પાછું આવ્યું હતું. જ્યારે કેટલાક વિસ્તારોમાં ટ્રેક્ટરો મારફતે દૂધ પહોંચાડ્‌યું હતું. વડોદરા શહેર-જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર પણ સક્રિય બન્યું છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટીલાવતે જણાવ્યું કે, હાલની પરિસ્થિતિમાં તમામ પંચાયતો દ્વારા પૂરતું ક્લોરિનેશન કરીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે એની તકેદારી લેવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય તંત્રએ ચોમાસાની શરૂઆતમાં જ પંચાયતોને વરસાદની મોસમમાં ક્લોરિનેશન કરીને જ પાણી પૂરું પાડવા તાકીદ કરી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા જરૂર જણાય ત્યાં ક્લોરિન ટિકડીઓ પણ લોકોને આપવામાં આવે છે. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખુલ્લા રાખવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે. જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. વડોદરા શહેરના કુલ ૨૯૨ વીજ ફિડર પૈકી ૪૮ ફિડર વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરન્ટથી કે અન્ય કોઇ રીતે નાગરિકો ના જાનમાલને નુકસાન ન થાય તે માટે સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. જેના પરિણામે વીજ પુરવઠાને અસર પહોંચી છે. વરસાદી પાણી ઓસરતા જ આ વીજ ફિડરો પૂર્વવત કરી દેવાશે. જેથી વીજ પુરવઠો પણ પૂર્વવત થઈ જશે.આ ફિડરો બંધ કરવાને કારણે વડોદરાના ઈન્દ્રપુરી, સરદાર એસ્ટેટ, કારેલી બાગ, માંડવી, પાણીગેટ, દાંડિયા બજાર, રાવપુરા ટાવર, હરિનગર, ગોત્રી અને સમા વિસ્તારને અસર પહોંચી છે. આ ઉપરાંત પીજીવીસીએલની કુલ ૧૪ ટીમ અને યુજીવીસીએલની કુલ ૧૨ ટીમને તાત્કાલિક અસરથી વડોદરા ખાતે બોલાવવામાં આવી છે. તેમજ એમજીવીસીએલ અને જેટકોના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ ૨૪ કંટ્રોલ રૂમ ખાતે સમગ્ર પરિસ્થિતિનું મોનીટરિંગ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરને વીજળી આપતા જેટકોના કુલ ૨૭ સબસ્ટેશન છે.