રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ભાજપના રાહત મળતાં સુરત સહિત દેશના ૭૦ જગ્યાએ ભાજપે કોંગ્રેસના આક્ષેપનો ખુલાસો કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. સુરત ખાતેની પત્રકાર પરિષદમાં હરિયાણાના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીની સરખામણી હિટલરના પ્રચાર મંત્રી જોસેફ ગોયબલ્સ સાથે કરી રાહુલ ગાંધી જુઠ્ઠાણા ચલાવી રહ્યાનું જણાવ્યું હતું. રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ રાહુલ ગાંધીની હરકતના કારણે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટ, સંસદ અને લોકોની માફી માગવી જોઈએ તેમ કહ્યું હતું.
સુરતના ભાજપ કાર્યાલય ખાતે રાફેલના ખુલાસા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહલલાલ ખટ્ટરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ખટ્ટરે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે દેશ અને દુનિયામાં ભાજપનો ડંકો વાગી રહ્યો છે. કોંગ્રેસ ભાજપના માહોલથી ગભરાઈ જઈને બેબુનિયાદ આક્ષેપ કરી રહી છે.
રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના સુચના બાદ કોંગ્રેસનું જુઠ્ઠાણું બહાર આવી ગયું છે. તેથી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ, મીડિયા, પ્રજા અને સંસદની માફી માગવી જોઈએ. રાહુલ ગાંધી હિટલરના પ્રચાર મંત્રી જોસેફ ગોયબલ્સની જેમ વારંવાર જુઠ્ઠુ બોલી લોકોને તે વાત સાચી છે તે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલ યોજાયેલી ચુંટમીમાં ત્રણ રાજ્યમમાં ભાજપની હાર થઈ તે મુદ્દો રાફેલ મુદ્દો નથી.
અન્ય મદ્દાઓ છે ભાજપની હારનું અંતર ઘણું જ ટુંકુ છે તે પણ બહાર આવ્યું છે. મધ્યપ્રદેશમાં ભલે કોંગ્રસની સરકાર બની છે પણ એક વર્ષ પુરૃ થશે ત્યારે જ તેમને અભિનંદન આપીશ કારણ આ સરકાર એક વર્ષ પણ ટકી શકે તેમ નથી. દેશની સુરક્ષાને ધ્યાને રાખીને રાફેલની ખરીદી કરવામાં આવી છે તેમાં કઈ ખોટું થયું નથી. રાફેલ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે પણ કોંગ્રેસ આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી. સંસદમાં રાફેલ મુદ્દે ચર્ચા કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.