66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે વિજેતા ઘોષિત થયેલ ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર 10મી ઑક્ટોબરે લૉન્ચ થયું હતું.
જેને અલગ અલગ પ્લેટફોર્મ સુધીમાં અત્યાર સુધીમાં 2 મિલીયનથી વધુ લોકો જોઈ ચુક્યા છે. ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવથી ફિલ્મના મેકર્સ ખૂબ જ ખુશ છે. તેમણે સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરી સૌનો આભાર માન્યો છે.
ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો અને દર્શકો પાસેથી સારા પ્રતિભાવો મળી રહ્યા છે.સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત “હેલ્લારો”ને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે.
આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સાર્વત્રિક રીતે સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એકટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. સુવર્ણ કમળ અને રજત કમળ – આ બંને એવોર્ડ જીતનાર હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ છે.
હેલ્લારો એ એક પિરીયડ ડ્રામા જે ગુજરાતના લોક-નૃત્ય સ્વરૂપ, ગરબા પર આધારિત છે, આ વાર્તામાં 13 થી વધુ અભિનેત્રીઓ સાથે મહિલાઓની આત્મ-અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કચ્છ જિલ્લાના વિશાળ રણની મધ્યમાં આ ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ ફિલ્મમાં 1975 ના સમયની કચ્છી સંસ્કૃતિ, ત્યાંના લોકોનો આબેહૂબ પરિવેશ અને પહેરવેશ જોવા મળશે. આ ફિલ્મમાં 450 થી વધારે કચ્છના ભાતીગળ પહેરવેશ એટલેકે ફિલ્મનાં કોસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા છે તથા આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ઉનાળામાં 35 દિવસ સુધી કચ્છમાં કરવામાં આવ્યું હતું.
ફિલ્મમાં 13 અભિનેત્રીઓ કામ કરી રહી છે. આ અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે. સાથે જ ફિલ્મમાં જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ અને મૌલિક નાયક પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મના ડાયરેક્ટર છે અભિષેક શાહ અને ફિલ્મના સંવાદો, ગીત અને અતિરિક્ત પટકથા લેખક છે સૌમ્ય જોશી.