ચંદીગઢ : હરિયાણામાં પાંચમી ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીએ બરોબરની રાજકીય ગરમી પકડી લીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપના શાસનમાં બેકારી વધી છે. પીએમ મોદી ભારતમાંથી રોજગારીની તકો જ ખતમ કરી રહ્યા છે. હરિયાણાના યુવાનો ખેતર વેચીને કે વ્યાજે રુપિયા લઈને અમેરિકા જઈ રહ્યા છે. હરિયાણામાં પાંચમી ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પછી સરકાર કોંગ્રેસની જ બનશે તેવો દાવો રાહુલ ગાંધીએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસનું વાવાઝોડું ફરી વળશે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારે હરિયાણાને ખતમ કરી નાખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હું તાજેતરમાં અમેરિકા ગયો ત્યાં હરિયાણાના ૧૫થી ૨૦ યુવાનોને મળ્યો હતો. તેઓ ડલ્લાસમાં એક જ રૂમમાં રહેતા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા જવું હોય તો ૩૫ લાખ રુપિયા આપવા પડે છે. તેઓ આ રકમ ખેતર વેચીને અથવા તો ઊંચા વ્યાજે લે છે.મેં તેમને જણાવ્યું કે તેઓ આટલી રકમમાં અહીં કારોબાર કેમ ન કરી શકે.
તેઓએ જણાવ્યું હતું કે હરિયાણામાં આટલી રકમમાં કશું કરવું શક્ય નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આમ ૫૦ લાખ રુપિયા હોય તો પણ હરિયાણામાં નાનો વેપારી ધંધો શરૂ કરી શકતો નથી. આમ ભાજપ સરકાર નાના વેપારીઓને ખતમ કરી રહી છે. તે ફક્ત ૨૫ ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે. ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડના દેવા માફ કરી દીધા છે અને તેની સામે ખેડૂતોની મૂડી પણ છીનવી લીધી છે.તેમણે જણાવ્યું હતું કે સરકારની બધી જ સંસ્થાઓ પર આરએસએસનો કબ્જો છે અને તેનું સંચાલન નાગપુરથી થાય છે. ભાજપની આ સરકાર ખેડૂતો માટે ખેતીના કાળા કાયદા લાવી હતી. ખેડૂતોના પ્રબળ વિરોધના પગલે તેણે આ કાયદા રદ કરવા પડયા. તે ખેડૂતોને હજી પણ એમએસપીનું વચન આપતી નથી. અમે ખેડૂતોને એમએસપીનું વચન આપીએ છીએ. મહિલાઓને પ્રતિ માસે બે હજાર રુપિયાનું વચન આપીએ છીએ અને તેમને ગેસનું સિલિન્ડર ૫૦૦ રુપિયામાં આપવાનું વચન આપીએ છીએ.