અમદાવાદ: ઇન્ટિગ્રેટેડ પોલીમર યાર્ન અને ફાઇબર ઉત્પાદક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ પર્યાવરણને અનુકૂળ તથા વાજબી કિંમત ધરાવતાં વસ્ત્રોનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. કંપનીએ ભારતીય પર્ફોર્મન્સ વેર બ્રાન્ડ અલ્સિસ સ્પોર્ટ્સ અને ડિઝાઇનર નરેન્દ્ર કુમારે આર| એલન ફાઇબરનો ઉપયોગ કરીને સસ્ટેઇનેબલ જિમ અને વર્કવેર માટે ‘અલ્સિસ એક્સ નારી’ કલેક્શન લોંચ કરવા જોડાણ કર્યું છે. RIL દર વર્ષે 2 અબજથી વધારે પોસ્ટ-કન્ઝ્યુમર (ઉપયોગ થયેલી) પેટ બોટલનું પ્રોસેસિંગ કરે છે અને બે વર્ષમાં એને 6 અબજ સુધી લઈ જવાની યોજના ધરાવે છે. છેલ્લાં બે દાયકાથી કંપની ઉપયોગ થયેલી પેટ બોટલ્સનું કલેક્શન કરીને પર્યાવરણને અનુકૂળ રીતે ફાઇબરનું રિસાઇકલિંગ કરે છે. ઉપયોગ થયેલી પેટ બોટલનો ઉપયોગ ગ્રે ફાઇબરનું ઉત્પાદન કરવા માટે થાય છે, જેનું વેચાણ રેક્રોન®ગ્રીનગોલ્ડ બ્રાન્ડ તરીકે થાય છે.
રિલાયન્સનાં પેટ્રોકેમિકલ્સ ડિવિઝનનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર વિપુલ શાહે કહ્યું હતું કે, અમારાં માટે સસ્ટેઇનેબિલિટી એ ફેશનેબલ શબ્દ નથી, પણ અમે પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓમાંથી ફેશન ઊભી કરીએ છીએ અને આ જ અમારાં માટે સસ્ટેઇનેબલ બિઝનેસ છે. હવે અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીથી પર થઈને સસ્ટેઇનેબિલિટીનો વિચાર કરીએ છીએ.
RILની સ્ટ્રેટેજી પર્યાવરણને અનુકૂળ ફેશન માટેની ઇકોસિસ્ટમ ઊભી કરવાનો અને એને વ્યાપક બનાવાની છે, જેથી આ ફેશનેબલ વસ્ત્રો વાજબી અને સર્વસુલભ થાય. શાહે કહ્યું હતું કે, અમે ઉચિત કિંમત સાથે જનઆંદોલન ઊભું કરીશું. પર્યાવરણને અનુકૂળ વસ્ત્ર માટે પ્રીમિયમ કિંમતથી કાયમી પરિવર્તન નહીં આવે. હકીકતમાં પર્યાવરણને સુધારવા માટે સ્થાયી પરિવર્તનની જરૂર છે.
આ અંગે ડિઝાઇનર નરેન્દ્ર કુમારે કહ્યું હતું કે, ઉપભોક્તાઓ સસ્ટેઇનેબલ ચીજવસ્તુઓને લઈને ઓછા જાગૃત છે. મોટાં ભાગનાં ગ્રાહકો હજુ આપણાં માટે પડકારજનક પર્યાવરણ સંબંધિત સમસ્યાઓની તીવ્રતાને સમજતાં નથી. એટલે અમે ફેશનનાં પાસામાં એને સામેલ કરવા કામગીરી કરી છે, પણ આ માટે એને વાજબી બનાવવી જરૂર છે. અમે ઉપભોક્તાઓને કહીએ છીએ કે, દુનિયાને બચાવવા આ વસ્ત્રો ન પહેરો, આ વસ્ત્રો પહેરો કારણ કે આ ફેશનેબલ અને વાજબી છે તેમજ પર્યાવરણે અનુકૂળ છે.