ગુજરાતની 7 વિધાનસભા બેઠકો માટે અઠવાડિયામાં પેટાચૂંટણી જાહેર થશે

0
26

ગુજરાત વિધાનસભાની 7 બેઠકોની ચૂંટણી અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. અત્યારે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં પ્રભારી રાજીવ સાતવ પ્રદેશના નેતાઓ સાથે બેઠકોનો દોર કરી રહ્યાં છે. ત્યારે ભાજપે પણ પ્રદેશના આગેવાનોની સાથે બે મંત્રીઓને પણ પેટાચૂંટણી માટેની જવાબદારી સોંપી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

ગઈકાલે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સાતેય બેઠક પર સંગઠન અને સરકારમાંથી મળી પ્રત્યેક બેઠક માટે બે-બે ઈન્ચાર્જ નિમવાની જાહેરાત કરી હતી. આ ઈન્ચાર્જ સંબંધિત મતવિસ્તારમાં પ્રદેશથી લઈ સ્થાનિક સ્તરનું એક નેટવર્ક ગોઠવશે. આ સાથે જ હવે કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર અને ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક માટે ભાજપ ટિકિટ આપશે કે કેમ તેને લઈ ચર્ચાઓ વહેતી થઈ છે. જોકે, આ બંને બેઠકો પર ઉમેદવાર જાહેર કરતા પહેલા હાઈકમાન્ડનો અભિપ્રાય લેવાશે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપના 26 સાંસદોમાંથી ત્રણ ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. મોરવા હડફ પર 2017માં ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના અનુસુચિત જનજાતિ સર્ટિફિકેટ અયોગ્ય ઠરતાં ચૂંટણીપંચે એમની ઉમેદવારી રદ કરી હતી. જેથી આ બેઠક ખાલી પડી હતી. જ્યારે લુણાવાડાના અપક્ષ રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા 2019માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમનો વિજય થયો હતો. આથી તેમને લુણાવાડા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આમ અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, પાટણ માટે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ સાંસદ બનતા ચારેય બેઠકો ખાલી પડી હતી. લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.