ભાવનગર : રેલવે તંત્ર દ્વારા પવિત્ર જૈનતીર્થ પાલિતાણાથી બાંદ્રા અને બાંદ્રાથી પાલિતાણા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંવત્સરીના મહાપર્વને અનુલક્ષી યાત્રિધોના ધસારાને ધ્યાનમાં લઈ વિશેષ ટ્રેન ચલાવવાનો રેલવેએ નિર્ણય કર્યો છે.આત્મઉપાસના અને આત્મશુદ્ધિના મહાપર્વ પર્યુષણ પર્વ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી જૈન સમાજના લોકો શેત્રુંજય તીર્થરાજની યાત્રાએ આવતા હોય છે. જેના કારણે યાત્રિયોની સુવિધા માટે અને સંવત્સરી જૈન મહાપર્વને લઈ ટ્રેનોમાં યાત્રિકોનો ધસારો રહેતો હોય, આ વધારાની ભીડ ઘટાડવા માટે પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે એસી થ્રી ટાયર અને સ્લીપર ક્લાસ કોચ સાથેની ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય કરાયો છે.આ વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી આગામી તા.૬-૯ને શુક્રવારે બપોરે ૨-૩૦ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડી બીજા દિવસે સવારે ૬ કલાકે પાલિતાણા પહોંચશે. તેવી જ રીતે તા.૮-૯ને રવિવારે રાત્રે ૯ કલાકે પાલિતાણાથી ટ્રેન ઉપડી બીજા દિવસે સોમવારે સવારે ૧૧ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં સિહોર (જં), સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર હોલ્ટ કરશે. ટ્રેન નંબર ૦૯૧૨૧/૦૯૧૨૨નું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરટીસીની વેબસાઈટ પરથી શરૂ કકરી દેવામાં આવ્યો હોવાનું ભાવનગર ડીઆરએમ રવિશકુમારે જણાવ્યું હતું.