વડોદરા શહેર જિલ્લામાં તાપમાનમાં સતત ઘટાડો થતો રહેતા ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર તાપમાનનો પારો ગગડતા કોલ્ડેસ્ટ ડે થયો છે.જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને ઉત્તર પૂર્વ તરફથી બરફીલા પવન ફૂંકાવા શરૂ થતા વડોદરા શહેરમાં તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો છે. ગયા રવિવારે સૌથી ઓછું તાપમાન 15 અંશ સેન્ટિગ્રેડ રહ્યા બાદ સોમવારે વધુ ચાર અંશ સેન્ટિગ્રેડનો ઘટાડો થતાં સીઝનનું સૌથી ઓછું તાપમાન 11 અંશ થયું હતું. જે આ સીઝનનું સૌથી ઓછું તાપમાન રહ્યું હતું. પરંતુ મંગળવારે તાપમાનનો પારો વધુ 0.8 અંશ સેન્ટિગ્રેડનો ઘટાડો થઈને 10.2 અંશ થયું હતું. જ્યારે બીજી બાજુ પવનની ગતિ સામાન્ય રહી હતી. પરિણામે ફરી એકવાર આજે ઓછા તાપમાનના કારણે ‘કોલ્ડેસ્ટ ડે’ રહેતા લોકોને ઠંડીમાં ઠુંઠવાઇને ઉની વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. જોકે ગઈકાલના પ્રમાણમાં પવનની ગતિ ઓછી હોવાથી ઠંડીનો અહેસાસ ઓછો રહ્યો હતો. સતત બે દિવસ ઠંડીના ચમકારા બાદ હવે દિન પ્રતિદિન ઠંડી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તાપમાનનો પારો સતત ગગડતા નોકરી ધંધાર્થે જતા લોકોને ઉની વસ્ત્રો પહેરી વાહન પર ધીમી ગતિએ જવાની ફરજ પડી હતી. જ્યારે શ્રમજીવીઓની હાલત એકદમ કફોડી બની છે. શ્રમજીવીઓના નાના બાળકોને તેમના પરિવારજનો સૂર્યના તડકામાં સતત રાખવા મજબૂર બન્યા હતા.