વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચથી શરુ થશે
ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા ICC વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગેની ક્રિકેટ ચાહકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. આજે મુંબઈમાં યોજાયેલી ICCની ઈવેન્ટમાં મેન્સ વનડે ક્રિકેટ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ICC એ ODI વર્લ્ડ કપ 2023નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચથી શરુ થશે. પ્રથમ મેચ અમદાવાદના મેદાન પર જ રમાવાની છે. ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બર રમાશે. હવે વર્લ્ડ કપ શરુ થવાને 100 દિવસ જ બાકી છે.
ગઈકાલે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ થયુ હતું
આ પહેલા ગઈકાલે ICC મેન્સ વનડે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ સ્પેસમાં કરવામાં આવ્યુ હતું. ટ્રોફીને જમીનથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ હતી અને ત્યાં તેનું અનાવરણ કરાયું હતું. બાદમાં ટ્રોફીને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નીચે ઉતારવામાં આવી હતી. BCCI સેક્રેટરી જય શાહે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ
ટ્રોફી ટૂરના લોન્ચિંગ પ્રસંગે ICC ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું કે, ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અત્યાર સુધીના સૌથી મોટા ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્વપૂર્ણ બાબત છે. ક્રિકેટના એક અબજથી વધુ ચાહકો છે અને અમે શક્ય તેટલા વધુ લોકોને આ પ્રખ્યાત ટ્રોફીની નજીક જવાની તક આપવા માંગીએ છીએ. ટ્રોફી ટૂર ભારતમાં આજથી શરૂ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કરશે ત્યારબાદ 4 સપ્ટેમ્બરે યજમાન દેશમાં ટ્રોફી પરત લાવવામાં આવશે.