તેણે ક્વાર્ટર ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય બની ગઈ : ફાઈનલમાં જાપાનની ઓકુહારા પર સરળ વિજય
નવીદિલ્હી, તા.૨૫
ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ આજે નવો ઇતિહાસ રચ્યો હતો. બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પયનશીપમાં મહિલા સિંગલ્સની ફાઈનલમાં પીવી સિંધુએ જાપાની ખેલાડી નોઝોમી ઓકુહારા પર એક તરફી જીત મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ આ ટુર્નામેન્ટમાં તાજ પોતાના નામે કરનાર તે પ્રથમ ભારતીય બની ગઇ હતી. સ્વત્ઝર્લેન્ડના બાસેલમાં ૩૫ મિનિટ સુધી આ ફાઈનલ મેચ ચાલી હતી જેમાં સિંધુએ પોતાની હરીફ ખેલાડી ઓકુહારા પર ૨૧-૭ અને ૨૧-૭થી જીત મેળવી હતી. આની સાથે જ આ ટુર્નામેન્ટમાં ૨૦૧૭માં ઓકુહારા સામે મળેલી હારનો પણ બદલો લીધો હતો. તે ૨૦૧૩ અને ૨૦૧૪ બ્રોન્ઝ મેડલ જીતી હતી, જયારે ૨૦૧૭ અને ૨૦૧૮માં સિલ્વર મેડલ જીતી હતી.
સતત બે વાર ફાઇનલમાં હારનો સામનો કર્યા પછી છેવટે સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. સિંધુ શરૂઆતથી પોતાની હરીફ પર હાવી રહી હતી. તેણે ૨૧-૭થી પ્રથમ ગેમ ૧૬ મિનિટમાં જીતી હતી. સિંધુની ઝડપ, નેટ પ્લે અને સ્મેશનો ઓકુહારા પાસે કોઈ જવાબ ન હતો. સિંધુ એટલુ એગ્રેસીવ રમી હતી કે ઓકુહારા માનસિક રીતે તણાવમાં આવી ગઈ હોય તેમ જણાતું હતું. બીજી ગેમમાં પણ સિંધુની લયમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તેણે અનફોર્સ્ડ એરર ન કરતા ઓકુહારાને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. ૨૦ મિનિટમાં ૨૧-૭થી ગેમ જીતીને તેણે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. પાંચમી ક્રમાંકિત સિંધુએ સેમિફાઇનલમાં ચીનની ચેન યૂ ફેઈને ૨૧-૭ ૨૧-૧૪થી ૪૦ મિનિટમાં હરાવી હતી.