વિદેશમાં ક્રેડિટ કાર્ડથી જે પણ પેમેન્ટ કરશો તેના પર તમારે 20% ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે TCS ચૂકવવો પડશે
જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તે LRSના દાયરામાં આવશે
જો તમે અવાર-નવાર વિદેશ પ્રવાસે જતા હોવ છો અને ત્યાં ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ (ક્રેડિટ કાર્ડ પર 20% TCS) નો ઉપયોગ કરો છો; તો હવે આવું કરવું તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. સરકારે તેને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડથી જે પણ પેમેન્ટ કરશો તેના પર તમારે 20% ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે TCS ચૂકવવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સલાહ બાદ સરકારે FEMAના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે.
FEMAના નિયમો બદલાયા
ખરેખર તો કેન્દ્ર સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોમાં સુધારો કર્યો છે. એક સૂચનામાં સરકારે કહ્યું કે ભારતની બહાર ક્રેડિટ કાર્ડ્સમાંથી ખર્ચવામાં આવેલી રકમ લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) માં લાવવામાં આવી રહી છે. બજેટ 2023 માં સરકારે વિદેશી ટૂર પેકેજો અને એલઆરએસના TCS દર હાલના 5% થી વધારીને 20% કર્યા હતા. શિક્ષણ અને તબીબી ખર્ચ સિવાય નવા દર 1 જુલાઈ, 2023 થી લાગુ થશે. જોકે તમે તમારા ટેક્સ રિટર્નમાં TCS ક્લેમ કરી શકો છો.
અત્યાર સુધી કેટલી રકમ મોકલવાની મંજૂરી છે?
વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને ભારતમાં પૈસા મોકલવા માટે પણ એક અલગ કાયદો છે. તેને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ અથવા લિબરલાઈઝ્ડ મની રેમિટન્સ સ્કીમ કહેવામાં આવે છે. આ સ્કીમ હેઠળ આરબીઆઈની પરવાનગી વિના 2.5 લાખ ડોલરની રકમ મોકલી શકાય છે. તેનાથી વધારાની રકમ માટે પરવાનગી મેળવવાની રહેશે. અગાઉ FEMA ના નિયમ 7 હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ્સ આમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. પરંતુ આ નિયમ 7 હવે હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે, હવે જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તે LRSના દાયરામાં આવશે.