વેસ્ટ ઈન્ડિઝની ટીમ 23 ઓવરમાં 114 રન જ બનાવી શકી
ભારતે માત્ર 22.5 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો
ભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચોની વનડે સીરિઝની પ્રથમ વનડેમાં પાંચ વિકેટે હરાવ્યું હતું. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. ભારતે માત્ર 22.5 ઓવરમાં જ 115 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ભારતીય ટીમે ટેસ્ટ બાદ વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 45 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે શિમરોન હેટમાયર અને કેપ્ટન શાઈ હોપ વચ્ચે 43 રનની ભાગીદારી થઈ હતી પણ ટીમે છેલ્લી સાત વિકેટ 26 રનમાં ગુમાવી દીધી હતી અને 23 ઓવરમાં 114 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગમાં સાત બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ કરી શક્યા ન હતા.
વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો
ભારતે બેટિંગ લાઈન અપમાં ઘણા ફેરફાર કર્યા
ભારતીય ટીમને 115 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. ભારતીય ટીમે ઓછા ટાર્ગેટને જોતા બેટિંગ લાઈન અપમાં પણ આશ્ચર્યજનક ફેરફારો કર્યા હતા જેમાં ઈશાન કિશનને શુભમન ગિલ સાથે ઓપનિંગ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે સૂર્યકુમાર ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. પાંચ વિકેટ પડી ગયા બાદ પણ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો ન હતો, જ્યારે કેપ્ટન રોહિત સાતમા નંબરે બેટિંગ કરી હતી. ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં આ સતત નવમો વિજય હતો. આ વનડે મેચમાં 4 વિકેટ લેનાર કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.