આખરે જેની લાંબા સમયથી અમેરિકા સ્થિત ભારતીય અને એશિયન મૂળનાં લોકો રાહ જોઈ રહ્યાં હતાં તે ઘડી અંતે આવી ગઇ. આજે અમેરિકાનાં ટેક્સાસ રાજ્યનાં હ્યુસ્ટન શહેરમાં વરસાદ અને વાવાઝોડાના ખતરા વચ્ચે વિશ્વના બે શક્તિશાળી નેતાઓ એક મંચ અને એક છત નીચે જોવા મળશે. અમેરિકાનાં ઈતિહાસમાં એવું પહેલી વાર થયું છે જ્યારે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ આ પ્રકારનાં બિન રાજકીય કાર્યક્રમમાં રાજધાનીથી બહારના કોઈ શહેરમાં હાજર રહ્યાં હોય. ટેક્સાસ ઈન્ડિયા ફોરમ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું નામ `હાઉડી મોદી’ રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં 50 હજારથી વધારે ભારતીયો અને એશિયન મૂળનાં નાગરિકો પોતાની હાજરીથી વિશ્વને પરોક્ષ રીતે પોતાની તાકાતનો પરિચય આપી રહ્યાં છે. હાઉડી મોદી કાર્યક્રમનો વિષય છે `ઉજજ્વળ ભવિષ્ય માટે, સપનાઓ વહેંચો’. પરંતુ આ સમયે એક સવાલ થાય છે કે, આખરે હ્યુસ્ટનમાં `હાઉડી’ કાર્યક્રમનાં આયોજન પાછળનો મૂળ હેતુ શું છે? પ્રથમ નજરે તો આ કાર્યક્રમ દ્વારા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની ઉપસ્થિતિ દર્શાવાઈ રહી હોય તેવું લાગે છે અને એ વર્તમાન સમયની માંગ પણ છે.