સાથી વિદ્યાર્થીઓ દ્વારા ખોટું વર્તન કરવામાં આવતા અનામતથી આગળ આવેલા વિદ્યાર્થીઓ અનુુભવે છે ભેદભાવ
અમુક દિવસો પહેલાં IIT હૈદાબાદના એક વિદ્યાર્થીએ બેકલોગ એક્ઝામ પાસ ન કરી શકવાને કારણે સમુદ્રમાં ડૂબી આપઘાત કરી લીધો હતો
અમુક દિવસો પહેલાં IIT હૈદાબાદના એક વિદ્યાર્થીએ બેકલોગ એક્ઝામ પાસ ન કરી શકવાને કારણે સમુદ્રમાં ડૂબી આપઘાત કરી લીધો હતો. તે 17 જુલાઈથી ગુમ હતો. 19 જુલાઈના સીસીટીવી ફૂટેજમાં તે સમુદ્રના ખતરનાક કિનારે જોવા મળ્યો હતો. તેના પછી 20 જુલાઈએ તેનો શબ મળ્યો જેની ઓળખ થઈ ચૂકી છે. આપઘાત કરનાર વિદ્યાર્થી નલગોંડાનો વતની હતો. તેની નામ ધનવત કાર્તિક હતું.
કેમ બને છે આવી ઘટનાઓ?
ધનવત કાર્તિક જેવા અનેક વિદ્યાર્થીઓ છે જેઓ આદિવાસી કે અનુસૂચિત જાતિથી તરી આવે છે અને IIT-IIM જેવા સંસ્થાનોમાં એડમિશન મેળવી લે છે. જોકે તેમને અનામતનો લાભ મળ્યો હોવાથી તેમની સાથે સાથી વિદ્યાર્થીઓ દ્વારા ક્યારેક ક્યારેક ખોટું વર્તન કે ભેદભાવ કરવામાં આવે છે. જેને તેઓ સહન નથી કરી શકતા. તેના કારણે તેઓ કાં તો સંસ્થાન કે અભ્યાસ છોડી દે કે પછી દુનિયા જ છોડી દે છે.
લોકસભામાં વિદ્યાર્થીઓના આપઘાત સંબંધિત આંકડાનો ચોંકાવનારો ખુલાસો
ડિસેમ્બર 2021માં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં એક સવાલના જવાબમાં માહિતી આપી હતી કે 2014થી 2021 વચ્ચે કેન્દ્રના ફંડથી ચાલતી હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં કુલ 122 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા હતા. તેમાં કુલ 24 વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિથી હતા. 3 વિદ્યાર્થી અનુસૂચિત જનજાતિથી હતા. 41 ઓબીસી વર્ગના હતા. કુલ મિલાવીને 122માંથી 68 વિદ્યાર્થીઓ અનામત વર્ગના હતા.
દર્શન સોલંકીના કેસમાં પણ આવું થયું હતું
તે જ વર્ષે આઈઆઈટીના વિદ્યાર્થી દર્શન સોલંકીનું મૃત્યુ થયા બાદ પણ આ મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં સમાજના પછાત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને શું હાલાકી ભોગવવી પડે છે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. એવી ચર્ચા પણ થઈ હતી કે અનામત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીમાંથી બચાવવા માટે આ સંસ્થાઓમાં શું વ્યવસ્થા કરવામાં આવે છે? બોમ્બે આઈઆઈટીના વિદ્યાર્થી દર્શન સોલંકીના કેસમાં એવો પણ આરોપ છે કે તેને હોસ્ટેલમાં હેરાન કરવામાં આવતો હતો. ત્યાં, એસસી-એસટી વિદ્યાર્થીઓના સંગઠને યાદ અપાવ્યું કે 2014માં પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના મૃત્યુ બાદ સમિતિ બનાવવાની વાત થઈ હતી. પરંતુ હજુ સુધી આનો અમલ થયો નથી.