ઈડીના ડિરેક્ટર સંજય મિશ્રાનો કાર્યકાળ 15 સપ્ટે. સુધી લંબાવાયો

0
14

– દેશ હિતમાં કેન્દ્રની અરજી મંજૂર રાખી : સુપ્રીમ

– એફએટીએફ નવેમ્બરમાં ભારતની સમીક્ષા કરવાનું છે, અનેક દેશ ભારતનું રેટિંગ ઘટાડવા પ્રયત્ન કરી રહ્યા છે : કેન્દ્રની દલીલ

– એફએટીએફની સમીક્ષા એક વર્ષ ચાલવાની છે, મિશ્રા એટલા જ જરૂરી હોય તો તેમને સલાહકાર બનાવી શકાય : અભિષેક મનુ સિંઘવી

સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ૧૫ સપ્ટેમ્બર સુધી લંબાવવાની કેન્દ્રની અરજી સ્વીકારી લીધી છે. કેન્દ્ર સરકારે સંજયકુમાર મિશ્રાનો કાર્યકાળ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટને દેશહિતની દુહાઈ આપી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સનો ભારતમાં પ્રવાસ હોવાથી ઈડીના ડિરેક્ટરનો કાર્યકાળ લંબાવવો જરૂરી છે.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બીઆર ગવઈના અધ્યક્ષપદે ન્યાયાધીશો વિક્રમ નાથ અને સંજય કરોલને સમાવતી બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે કોર્ટે તેમને હટાવવાના નિર્દેશ આપ્યા છે, પરંતુ પરિસ્થિતિ અસાધારણ છે. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)નો નવેમ્બરમાં ભારતમાં પ્રવાસ છે. તેમણે ઉમેર્યું કે, અનેક દેશ એફએટીએફના ગ્રે લિસ્ટમાં છે. હાલ ભારતનું રેટિંગ સારું છે. પરંતુ તેને વધુ સારું કરવાનું છે. અધિક સોલિસિટર જનરલ રાજૂએ કહ્યું કે, અનેક દેશ ભારતનું રેટિંગ ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા સંજોગોમાં દેશ હિતમાં ઈડીના ડિરેક્ટર તરીકે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ લંબાવવો જોઈએ. 

એફએટીએફની સમીક્ષાને ટાંકીને તુષાર મહેતાએ કહ્યું કે, દેશ હાલ મજબૂત સ્થિતિમાં છે. અમે તેને દુનિયા સમક્ષ રજૂ કરવાનો છે. ઈડીના કામમાં સાતત્ય જાળવી રાખવું જરૂરી છે. એફએટીએફની સમીક્ષાની દેશના ક્રેડિટ રેટિંગ પર સીધી અસર પડશે. જોકે, અભિષેક મનુ સિંઘવી અને પ્રશાંત ભૂષણે વિરોધમાં કહ્યું કે, આ દલીલો મુખ્ય સુનાવણી દરમિયાન પણ કરાઈ હતી.

કેન્દ્ર સરકારની આ દલીલોના જવાબમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ પ્રકારની દલીલ કરીને કેન્દ્ર એવી છબી ઘડી રહ્યું છે, જાણે આખા દેશનો ભાર એક જ વ્યક્તિના ખભે છે. સંજય મિશ્રાનો કાર્યકાળ બે વર્ષ પહેલાં જ પૂરો થઈ ગયો હતો. એફએટીએફની સમીક્ષા એક વર્ષ સુધી ચાલવાની છે. આ દલીલ કરીને તો કેન્દ્ર સરકારે ૨૦૨૪ સુધી કાર્યકાળ લંબાવવાની માગ કરવી જોઈએ? તેમણે ઉમેર્યું કે હકીકતમાં તેમણે ઈડી અને સીબીઆઈના ડિરેક્ટરનો કાર્યકાળ લંબાવવા અંગે જે કાયદો બનાવ્યો હતો તે એક જ વ્યક્તિ માટે હતો. તેઓ કોઈને કોઈ રીતે તેમને ઈડીના ડિરેક્ટરપદે જાળવી રાખવા માગે છે.

વકીલ પ્રશાંત ભૂષણે પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈએ જ આદેશ આપ્યો હતો કે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ૩૧ જુલાઈએ પૂરો થશે. પરંતુ કેન્દ્ર સરકાર ગઈકાલ સુધી રાહ જોતી રહી. આ વ્યક્તિ એટલી જ જરૂરી હોય તો તેને વિશેષ સલાહકાર બનાવી શકાય છે. આ રીતે અરજી કરીને કેન્દ્ર કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરી રહી છે.

હકીકતમાં ઈડીના ડિરેક્ટર સંજય મિશ્રાએ ૨૦૧૮માં બે વર્ષ માટે કાર્યકાળ સંભાળ્યો હતો. ત્યાર પછી કેન્દ્ર સરકારે બે વખત તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો. ત્યાર પછી ત્રીજી વખત નવેમ્બર ૨૦૨૩ સુધી તેમનો કાર્યકાળ લંબાવાયો હતો. કેન્દ્રના આ પગલાંને ગેરકાયદે ગણાવતા સિંઘવી અને પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમે પણ ત્રીજી વખત સંજય મિશ્રાનો કાર્યકાળ લંબાવવાને ગેરકાયદે ગણાવતા તેમને ૩૧ જુલાઈએ ઓફિસ ખાલી કરી દેવા આદેશ આપ્યો હતો, કેન્દ્રે આ આદેશની પુન: સમીક્ષાની માગ કરી હતી.

શું ઈડીનો આખો વિભાગ અક્ષમ છે : સુપ્રીમનો સવાલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ૧૫મી સપ્ટેમ્બર સુધી લંબાવવાની મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે શું તમે એવી છબી ઊભી નથી કરતાં કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આખા વિભાગમાં બધા જ અધિકારીઓ અક્ષમ છે? માત્ર એક જ અધિકારી કામ કરવામાં સક્ષમ છે. સુપ્રીમ કોર્ટના સવાલના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, વાત વ્યક્તિના મહત્વની નથી. ઈડીના નેતૃત્વની છે. સંજય કુમાર મિશ્રા પાંચ વર્ષથી આ કેસની તૈયારીમાં લાગેલા છે. ભારતને જે રેટિંગ મળશે તેનો દેશને વ્યાપક લાભ મળશે. વર્લ્ડ બેન્કના ક્રેડિટ રેટિંગ વગેરે પર પણ સકારાત્મક અસર થશે. તેમણે ઉમેર્યું કે, એફએટીએફની સમીક્ષા સમયે ઈડી ડિરેક્ટર તરીકે સંજયકુમાર મિશ્રા અનિવાર્ય નથી પરંતુ તેમની હાજરી જરૂરી છે.