સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયાને પાંચ દિવસ વીત્યા છતાં વિવિધ મુદ્દાઓને લઇને હોબાળો અને વારંવાર સંસદ સ્થગિત કરવા મામલે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનને સભ્યોને કહ્યું કે, શું આપણે શાળાના બાળકો કરતા પણ ગયેલા- ગુજરેલા થઇ ગયા છીએ. સંસદની કાર્યવાહી શરૂ થવા પર ભાજપ, કોંગ્રેસ, અન્નાદ્રમુક સહિતના પક્ષોના સભ્યો અલગ-અલગ મુદ્દે હોબાળો કરી રહ્યાં હતા. કોંગ્રેસ, અન્નાદ્રમુક, તેદેપા સભ્યો અધ્યક્ષ નજીક આવીને નારેબાજી કરી રહ્યાં હતા.
જેના પર સુમિત્રા મહાજને કહ્યું કે, હું સમજી શકું છું કે આ વર્તમાન લોકસભાનું છેલ્લું પૂર્ણ સત્ર છે અને તમારા લોકોના પોતપોતાના મુદ્દા છે. સંસદ ચર્ચા માટે તૈયાર છે પરંતુ હોબાળોએ યોગ્ય રીત નથી. જો તમારા મુદ્દાઓ હોય તો હું ખુદ સરકારને કહીશ કે ચર્ચા કરાવવામાં આવે.
લોકસભા અધ્યક્ષે સભ્યોને કહ્યું કે, વિદેશથી પ્રતિનિધિ મંડળ આવે છે અને લોકો પુછે છે કે તમારે ત્યાં શું થઇ રહ્યું છે. શાળાના બાળકોના સંદેશ આવે છે કે અમારી શાળાઓ તમારી કરતા સારી ચાલી રહી છે તો શું આપણે શાળાના બાળકો કરતા પણ ગયેલા-ગુજરેલા છીએ?
ઉલ્લેખનીય છે કે, સંસદના શિયાળું સત્ર વિવિધ કારણોસર સ્થગિત થઇ રહ્યું છે ત્યારે હોબાળાને પગલે સુમિત્રા મહાજને સભ્યોને ટકોર કરી હતી.