અમદાવાદ,તા.૧૨
ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ આઇકે જાડેજાએ ઇલેકટ્રોનિક મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે, આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ’’ કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને સંગઠન પર્વના રાષ્ટ્રીય સહ સયોજક અરૂણ ચતુર્વેદીજીની ઉપસ્થિતિમાં સંગઠન પર્વ – સદસ્યતા વૃધ્ધિ અભિયાનના અનુસંધાને ઉત્તર ઝોનની બેઠક યોજાઇ હતી. જાડેજાએ જણાવ્યુ હતુ કે, આજની આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તથા સંગઠન પર્વના રાષ્ટ્રીય સહ સંયોજક અરૂણ ચતુર્વેદીએ ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે સંગઠન પર્વ અંતર્ગત વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી સદસ્યતા વૃધ્ધિ અભિયાનને વધુ અસરકારક રીતે આગળ ધપાવવા માટે માર્ગદર્શન આપ્યુ હતુ. જાડેજાએ જણાવ્યુ હતુ કે, ભાજપા ગુજરાતે સંગઠનપર્વ દરમ્યાન ૫૦ ટકાથી વધુ કાર્યકર્તા વૃધ્ધિનું લક્ષ્ય હાથ ધર્યુ છે ત્યારે દરેક સમાજ અને વર્ગ-સમુહને સાથે લઇ સર્વસ્પર્ષી – સર્વવ્યાપી અભિયાન ભાજપા દ્વારા ચલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાતભરમાં તારીખ ૧૪ થી ૧૯ જુલાઇ દરમ્યાન જીલ્લાવાર શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ માટે કાર્યશાળાઓ યોજાશે. આ કાર્યશાળામાં દરેક વ્યક્તિ, ઘર અને સમાજ સુધી ભાજપાને વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે. આગામી ૧૬-૧૭-૧૮ જુલાઇ દરમ્યાન નવા મતદારોને ભાજપાની રાષ્ટ્રવાદી અને વિકાસવાદી વિચારધારા સાથે જોડવા માટે રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ભાજપા યુવા મોરચા સહિત તમામ મોરચાઓ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આગામી ૨૧ થી ૨૮ જુલાઇ દરમ્યાન સાત દિવસીય વિસ્તારક યોજનાનું આયોજન કરવામાં આવશે, જેમાં શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ સહિતના કાર્યકર્તાઓ જોડાશે.