નવી દિલ્હી: કોરોનાને પગલે આ વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની આર્થિક હાલત કફોડી છે. પ્રોપર્ટી ટૅક્સ સહિતના અનેક વેરાની રકમ પાલિકા સમયસર વસૂલ કરી શકી નથી ત્યારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના મલબાર હિલ આવેલા સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો સહિત અન્ય પ્રધાનોએ તેમના સરકારી નિવાસસ્થાનના ૨૪ લાખ ૫૬ હજાર ૪૬૯ રૂપિયાના પાણીના બિલ પાલિકાને ચૂકવ્યા નથી. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ મુખ્યપ્રધાનના વર્ષા બંગલો સહિત ૧૭ બંગલાને ડિફૉલ્ટર તરીકે જાહેર કર્યા હોવાનું માહિતી અધિકાર કાયદા હેઠળ આપવામાં આવેલી મહિતી બહાર આવતા જાતની જાતની ચર્ચાએ વેગ પકડ્યો હતોે. સામાન્ય મુંબઈગરા પાણીના બિલ ના ચૂકવે તો તેમના પાણીના જોડાણ કાપી નાખવામાં આવતા હોય છે તો શું પાલિકા મુખ્યપ્રધાનના બંગલો સામે પણ આવી કાર્યવાહી કરશે કે એવા સવાલ થઈ રહ્યા છે. ત્યારે મોડી સાંજે પાલિકાએ વર્ષા બંગલોના પાણીના કોઈ બિલ ચૂકવવાના બાકી ન હોવાનો અહેવાલ બહાર પાડ્યો હતો. તેથી શું મુખ્યપ્રધાનના દબાણ હેઠળ પાલિકાએ આ અહેવાલ બહાર પાડયો હતો? એવા સવાલો રાજક્ીય સ્તરે ચર્ચાઈ રહ્યા હતા.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને અન્ય પ્રધાનોના સરકારી નિવાસસ્થાનના પાણીના કુલ ૨૪ લાખ ૫૬ હજાર ૪૬૯ રૂપિયાના બિલ ચૂકવવામાં આવ્યા નથી. તેથી પાણીના બિલ નહીં ચૂકવનારા બંગલાઓને પાલિકાએ ડિફૉલ્ટરોની યાદીમાં નાખ્યા છે. આરટીઆય કાર્યકર્તા શકીલ અહમદ શેખે માહિતી અધિકાર કાયદા હેઠળ આ માહિતી પાલિકા પાસેથી મેળવી હતી.માહિતી અધિકાર કાયદા હેઠળ મળેલી માહિતી મુજબ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વર્ષા બંગલો, મુખ્યપ્રધાનના સુરક્ષારક્ષકો માટેનો તોરણા બંગલો, નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજીત પવારનો દેવગિરી, જયંત પાટીલનો સેવાસદન, ઉર્જા પ્રધાન નિતીન રાઉતનો પર્ણકુટી, મહેસુલ પ્રધાન બાળાસાહેબ થોરાતનો રૉયલ સ્ટોન, વિરોધીપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસનો સાગર, સાર્વજનિક બાંધકામ પ્રધાન અશોક ચવાણનો મેઘદૂત, ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈનો પુરાતન, દિલીપ વળસે-પાટીલનો શિવગિરી, નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેનો નંદનવન, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનો જેતવન, વિધાનસભા અધ્યક્ષ નાના પટોલેનો ચિત્રકુટ, પ્રધાન રાજેશ શિંગણેનો સાતપુડા, નવાબ મલિકનો મુક્તાગિરી, અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન છગન ભુજબળનો રામટેક અને સભાપતિ રામરાજે નિંબાળકરનો અજંતા તેમ જ સહ્યાદ્રી અતિથી ગૃહના પાણીના બિલ ચૂકવવાના બાકી છે. આ તમામ બંગલાના કુલ પાણીના બિલ ૨૪ લાખ ૫૬ હજાર ૪૬૯ રૂપિયા જેટલા હોવાથી પાલિકાએ તેમને ડિફૉલ્ટરની યાદીમાં નાખ્યા છે.
હાલ શિયાળુ અધિવેશન ચાલી રહ્યું હોઈ આ સમય દરમિયાન જ માહિતી અધિકાર ધારા હેઠળ પાણીના બિલ ચૂકવ્યા નહીં હોવાની વિગતો બહાર આવતા રાજ્ય સરકાર સહિત પાલિકા પ્રશાસન પોતાના બચાવમાં લાગી ગઈ હતી અને મોડી સાંજે પાલિકાના પાણી પુરવઠા ખાતાએ મુખ્ય પ્રધાનના સરકારી નિવાસસ્થાન વર્ષા અને તેને લાગીને આવેલા તોરણા બંગલોના પાણીના કોઈ બિલ ચૂકવવા બાકી હોવાના અહેવામાં કોઈ તથ્ય ન હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. આ બંને બંગલોના પાણી બિલ સંપૂર્ણરીતે ભરવામાં આવ્યા હોઈ કોઈ રકમ ચૂકવવાની બાકી ન હોવાની સ્પષ્ટતા પણ પાલિકા પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી.