અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી તે સાબરમતી આશ્રમના દ્વાર ૧૦ મહિના બાદ મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યા છે. કોરોના મહામારીને પગલે ૧૮મી માર્ચથી સાબરમતી આશ્રમના દ્વાર મુલાકાતીઓ માટે બંધ હતા. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડયા હતા.
આ અંગે આશ્રમ વ્યવસ્થાપન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને પગલે સાત મહિના કરતાં પણ વધુ સમય બાદ સાબરમતી આશ્રમને મુલાકાતીઓ માટે પુન: ખોલવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં સવારે આશ્રમમાં મુલાકાતીઓ માટેનો સમય સવારે ૧૦થી ૫નો રહેશે. બૂક શોપ, ખાદી શોપ, ચરખા ગેલેરીને હજુ ખોલવામાં આવ્યા નથી. કેમકે, ત્યાં હજુ વધારે ભીડ થવાની સંભાવના છે. બેસવાની જગ્યામાં મુલાકાતીઓ ૬ ફૂટના અંતરે બેસે તેવા સ્ટિકર લગાવવામાં આવેલા છે. ૧૯ જગ્યાએ સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરાઇ છે. મ્યુઝિયમ ગેલેરી છે ત્યાં ૬ ફૂટના અંતરે જ મુલાકાતીઓ ઊભા રહી શકે તેવા સ્ટિકર લગાવાયા છે. સાબરમતી આશ્રમને સવારે ખોલતા અને સાંજે બંધ કરતી વખતે સેનિટાઇઝ કરવામાં આવશે. જેના માટે વિંગ પ્રમાણે પમ્પ આપી દેવામાં આવ્યા છે. જોકે, હજુ પાલડીમાં આવેલા કોચરબ આશ્રમના દ્વાર મુલાકાતીઓ માટે ક્યારે ખોલવામાં આવશે તેનો નિર્ણય લેવાયો નથી.