ચરસના જથ્થા સાથે બેની ધરપકડ ઃ ચરસનું કન્સાઇનમેન્ટ જપ્ત કરાયુ ઃ ચરસનો જથ્થો જમ્મુ-કાશ્મીરમાંથી લવાયો
અમદાવાદ, તા.૨૭
અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ ફરી એકવાર એક મહત્વના ઓપરેશનમાં, શહેરના સાબરમતી રેલ્વે સ્ટેશન પરથી ૨૩ કિલોના ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. એનસીબી દ્વારા જપ્ત કરાયેલા ચરસના જથ્થાની બજાર કિંમત રૂ.૨૮ લાખ થવા જાય છે. સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતેથી ચરસનો જથ્થો આટલો મોટો ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એનસીબીને ચોક્કસ બાતમી મળી હતી તે માહિતીના આધારે, શહેરના સાબરમતી રેલવે સ્ટેશન પરથી અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓએ ૨૩ કિલો ચરસના ૧૨ પેકેટ્સ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરોના અધિકારીઓએ સાબરમતી રેલવે સ્ટેશન પર બે મુસાફરોને આંતરી તેમનો સામાન ચેક કર્યો હતા અને જડતી લીધી હતી. તે દરમ્યાન આરોપી મોહમંદ રિઝવાન કૈયમુદ્દીન અને જીશાન છોટે પાસેથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ચરસની હેરાફેરી કરી રહેલા આ બન્ને આરોપી ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં આ ચરસ જમ્મુ અને કાશ્મીરથી લવાયો હોવાની વાત સામે આવી હતી. આ ચરસ પ્રતિ કિલો રૂ.૧.૨૦ લાખના ભાવે વેચવાનું હતું. આમ આ ચરસની કિંમત લગભગ રૂ.૨૮ લાખ જેટલી થાય છે. એનસીબીના અધિકારીઓએ હવે ચરસનું આ કન્સાઇનમેન્ટ કોના કહેવાથી મંગાવાયુ હતું અને કોને ડિલીવરી કરવાનું હતુ અને આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે તે સહિતની બાબતોની દિશામાં હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.