
સુરત : પોલીસ મથકથી માત્ર 400 મીટરના અંતરે કેનાલ રોડ ઉપર માતૃશ્રી કંપાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામના પતરાના શેડમાં સરથાણા પોલીસે કંપની તરફથી મળેલી ફરિયાદના આધારે રેઈડ કરી ત્યાંથી ડુપ્લીકેટ હાર્પિક, લાઈઝોલ, ડેટોલ બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું.પોલીસે ત્યાંથી પાંચ લિટરના ભરેલા 419 કેન, 605 ખાલી કેન, 250 ઢાંકણ, 7600 સ્ટીકર મળી કુલ રૂ.4.40 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાર્પિક, લાઈઝોલ, ડેટોલ બનાવતી કંપનીના લોગોનો દુરુપયોગ નહીં થાય તે માટે કામ કરતી મુંબઈની કંપનીને અઠવાડીયા અગાઉ માહિતી મળી હતી કે સુરતના સરથાણા કેનાલ રોડ માતૃશ્રી કંપાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી કોઈક વ્યક્તિ ડુપ્લીકેટ હાર્પિક, લાઈઝોલ, ડેટોલ બનાવીને વેચે છે.આથી કંપનીના અધિકારીએ સરથાણા પોલીસમાં અરજી કરતા સરથાણા પોલીસે ગતરોજ ત્રણ ગાળાના યુનિટમાં રેઈડ કરી હતી.પોલીસને ત્યાંથી ડુપ્લીકેટ હાર્પિક, લાઈઝોલ, ડેટોલ બનાવતો સંચાલક પ્રકાશ મોહનભાઈ મોલ્યા ( ઉ.વ.34, રહે.ઘર નં.23, કૃષ્ણ નગર સોસાયટી, કઠોદરા ગામ, તા.કામરેજ, જી.સુરત. મુળ રહે.આરીખાણા ગામ, તાલાલપર, જી.જામનગર ) મળ્યો હતો.પોલીસે સ્થળ પરથી ડુપ્લીકેટ હાર્પિક, લાઈઝોલ, ડેટોલના પાંચ લિટરના ભરેલા 419 કેન, ડુપ્લીકેટ હાર્પિક, લાઈઝોલ, ડેટોલના પાંચ અને એક લિટરના 605 ખાલી કેન, કેન ઉપર લગાવવાના 250 ઢાંકણ, હાર્પિક, લાઈઝોલ, ડેટોલના લોગોવાળા કુલ 7600 સ્ટીકર, 50 લિટરના ચાર ખાલી કેન, ફ્લિપકાર્ટના 125 બારકોડ મળી કુલ રૂ.4,39,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રકાશ મોલ્યા ડુપ્લીકેટ હાર્પિક, લાઈઝોલ, ડેટોલ તૈયાર કરી તેનું ઓનલાઈન વેચાણ કરતો હતો.સરથાણા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.