
Surat Railway Station: દિવાળી જેવો મોટો તહેવાર હોય તો પરિવાર સાથે ઉજવવાની મજા જ કંઈક અલગ હોય છે અને એટલે જ આ દરમિયાન લોકો વતનની વાટ પકડે છે. સુરતમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. મોટે ભાગે દિવાળીના એક બે દિવસ પહેલા રેલવે સ્ટેશન પર જેવી ભીડ હોય છે તેવી ભીડ આ વખતે થોડી વહેલી જોવા મળી. અંતિમ સમયમાં હાલાકી વેઠવી ન પડે તે માટે લોકો આ વર્ષે વહેલીતકે જ વતન જવા લાગ્યા છે.
વહેલી સવારથી જ મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ
સુરત આમતો મિનિ ભારત કહેવાય છે. અહીં ધંધા રોજગાર માટે વસવાટ કરતા પરપ્રાંતિઓની સંખ્યા બહોળા પ્રમાણમાં છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર આજે (18મી ઓક્ટોબર) વહેલી સવારે 5 વાગ્યાથી જ મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. લોકોએ વતન જવા માટે ટ્રેન પકડવા વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહી ગયા હતા.
રેલવે સ્ટેશન પર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત
ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે મોટાભાગની ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડવાની છે. જેથી ઉધના રેલવે સ્ટેશન વહેલી સવારથી જ ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટેના મુસાફરોની બારે ભીડ જામી. આ દમરિયાન મોટી સંખ્યામાં ઉમટતાં લોકોથી કોઈ મોટી દુર્ઘટના કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો.

કેટલાક મુસાફરોએ રેલેવે વિભાગની વ્યવસ્થા સામે રોષ પણ ઠાલવ્યો
મુસાફરોએ રેલવે વિભાગને અપીલ કરતા જણાવ્યું હતું કે, ‘સવારે પાંચ વાગ્યાથી મુસાફરો ટ્રેનની રાહ જોઈને લાઈનમાં ઊભા છે. દર વર્ષે આવી હાલાકી પડે છે પરંતુ યોગ્ય વ્યવસ્થા ગોઠવાતી નથી. હોલિડે સ્પેશિયલ ટ્રેન હોવા છતાં ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. સરકાર અને રેલવે વિભાગે વધુ ટ્રેન દોડાવવી જોઈએ.’